નવી દિલ્હી : કેનેડા સ્થિત સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત મંદિરની દીવાલને અમુક નુકસાન પહોંચાડાયું હોવાનું પણ સામે આવ્યું છે. ખાલિસ્તાની અરાજક તત્વોએ મંદિરની દીવાલો પર ભારત વિરોધી લખાણો લખ્યા હતા. ભારત સરકારે આ મામલે વિરોધ નોંધાવ્યો છે અને ભારતીય ઉચ્ચાયોગે આ ઘટનાની ટીકા કરીને કાર્યવાહીની માગણી કરી છે. આ ઘટના મંગળવારના રોજ બની હતી. ઓટાવા સ્થિત ભારતીય ઉચ્ચાયોગે આ અંગેની ટ્વિટમાં લખ્યું હતું કે, ટોરંટો ખાતેના BAPS સ્વામિનારાયણ મંદિરને નુકસાન પહોંચાડીને ભારત વિરોધી લખાણ લખવાની ઘટનાની અમે આકરા શબ્દોમાં ટીકા કરીએ છીએ. કેનેડાના અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી છે અને આરોપીઓ સામે તાત્કાલિક આકરા પગલાં ભરવા આગ્રહ કરવામાં આવ્યો છે. કેનેડાના સાંસદ સોનિયા સિદ્ધુએ આ અંગેની ટ્વિટમાં લખ્યું હતું કે, ટોરંટો સ્થિત સ્મામિનારાયણ મંદિરમાં બનેલી દુર્ઘટનાથી વ્યથિત છું. અમે એક બહુસાંસ્કૃતિક અને બહુધર્મી દેશમાં રહીએ છીએ જ્યાં સૌ કોઈ સુરક્ષિતતા અનુભવવા માટે હકદાર છે. જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. બ્રૈમ્પટનના મેયર પૈટ્રિક બ્રાઉને આ અંગે નિરાશા વ્યક્ત કરતા લખ્યું હતું કે, આ પ્રકારની નફરતને કોઈ સ્થાન નથી. આશા રાખીએ કે, જવાબદાર ગુનેગારોને ઝડપથી ન્યાયના કઠેડામાં લાવવામાં આવે. ભારતીય મૂળના કેનેડીયન સાંસદ ચંદ્ર આર્યે કેનેડામાં હિંદુ મંદિરોને આ પ્રકારે નિશાન કરવાની ઘટનાઓ વધી રહી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.