કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરી માફી માગી, કહ્યું – આ ભૂલ માફીને લાયક નથી
મૌલાના આઝાદ કોંગ્રેસની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા દિગ્ગજ નેતાઓમાં સામેલ હતા
રવિવારે કોંગ્રેસે તેના અધિવેશન સંબંધિત જાહેરાતમાં દેશના પ્રથમ શિક્ષણમંત્રી અને સ્વતંત્રતા સેનાની મૌલાના અબુલ કલામ આઝાદની તસવીર ન હોવાથી સોશિયલ મીડિયામાં વિવાદ થયા બાદ માફી માગી લીધી હતી અને કહ્યું કે તેની જવાબદારી નક્કી કરવામાં આવી રહી છે અને આ મામલે કાર્યવાહી પણ કરાશે.
આ હસ્તીઓની તસવીરો સામેલ કરાઈ
પાર્ટીએ તેના 85માં અધિવેશનના સંદર્ભમાં અખબારોમાં એક જાહેરાત આપી હતી જેમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભીમરાવ આંબેડકર, સરોજિની નાયડુ, સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પી.વી. નરસિમ્હારાવની તસવીરો સામેલ હતી. જોકે કોંગ્રેસની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા દિગ્ગજ નેતાઓમાં સામેલ મૌલાના આઝાદનું નામ ન હોવાથી સોશિયલ મીડિયા પર યૂઝર્સે કોંગ્રેસની આકરી ટીકા કરતાં મૌલાના આઝાદને ભૂલી જવાનો આરોપ મૂક્યો હતો.
જયરામ રમેશે શું કહ્યું?
તેના પછી કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ દ્વારા જારી એક જાહેરાતમાં મૌલાના આઝાદની તસવીર નહોતી. આ ભૂલ માફીને લાયક નથી. તેની જવાબદારી નક્કી કરાઈ રહી છે અને કાર્યવાહી પણ કરાશે. અમે દિલથી માફી માગીએ છીએ. તે અમારા અને સમગ્ર ભારત માટે એક પ્રતિષ્ઠિત અને પ્રેરક વ્યક્તિ બની રહેશે.