ભારત કંપની માટે સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે
નવી બ્રાંડ નેટવર્ક અને ઔદ્યોગિક ડિજિટાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે
એક સમયે દુનિયાની ટોપ મોબાઈલ કંપની રહેલી નોકિયાએ પોતાની બ્રાંડ ઈમેજ બદલવાની જાહેરાત કરી છે. નોકિયાએ 60 વર્ષોમાં પહેલી વખત પોતાનો લોગો બદલ્યો છે. આ નવા લોગોમાં જુદા જુદા અક્ષરોમાં નોકિયા લખેલું છે, જેમાં વાદળી, ગુલાબી, જાંબલી સાથે અન્ય ઘણા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે પહેલા કંપનીનો લોગો માત્ર વાદળી રંગમાં હતો.
કંપની ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલી છે
નવા લોગો વિશે જણાવતા કંપનીના સીઈઓ પેક્કા લુંડમાર્કએ કહ્યું કે, ‘આ સ્માર્ટફોન સાથે કંપનીની લાગણીને દર્શાવતું હતું, પરંતુ આજે કંપનીનો વ્યવસાય બદલાઈ ગયો છે અને તે ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલી છે. ઘણાં લોકોના મગજમાં આજે પણ નોકિયા એક સફળ મોબાઈલ બ્રાંડ છે પણ તેવું નથી. એક નવી બ્રાંડ જે નેટવર્ક અને ઔદ્યોગિક ડિજિટાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે મોબાઈલ ફોન લેગસીથી તદ્દન જુદી છે.
ભારત કંપની માટે ઝડપથી વિકસતા બજારોમાંનું એક
કંપનીએ પોતાનું ધ્યાન સર્વિસ પ્રોવાઇડર વ્યવસાય પર કેન્દ્રિત કર્યું છે, જેમાં કંપની ટેલિકોમ કંપનીઓને 5G ગિયરનું વેચાણ કરે છે. લુંડમાર્કે જણાવ્યું કે ગયા વર્ષે કંપનીનું બિઝનેસ 21 ટકા વધ્યું હતું જે કુલ વેચાણનું 8 ટકા (2.11 અબજ ડોલર) છે. આ સાથે કંપની 5G ગિયર આપવા માટે વિશ્વની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ સાથે ભાગીદારી પણ કરી રહી છે. લુંડમાર્કે જણાવ્યું હતું કે ભારત કંપની માટે સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે. ઉત્તર અમેરિકામાં 2023ના બીજા 6 મહિના કંપની માટે સારા સાબિત થઈ શકે છે.