ગ્લાઈડર ટેકઓફ થયાના થોડા જ સમયમાં ટેકનિકલ ખામીથી ક્રેશ થયું
પોલીસ અને પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી
ઝારખંડના ધનબાદમાં બરવડા એરપોર્ટ નજીક એક મકાનમાં ગ્લાઈડર ક્રેશ થયાના સમાચાર છે. આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એરપોર્ટ પરથી ગ્લાઈડર ટેકઓફ થયાના થોડા જ સમયમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા ગ્લાઈડર લગભગ 500 મીટરના અંતરે ક્રેશ થયું હતું.
સ્થાનિક વહીવટીતંત્ર દોડતું થઈ ગયું
આ ગ્લાઈડર તૂટી પડવાની જાણ સ્થાનિક વહીવટીતંત્રને થતાં જ જિલ્લા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસ અને પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. કેટલાક સમયથી લોકોને ગ્લાઈડર દ્વારા ધનબાદના પ્રવાસે લઈ જવામાં આવી રહ્યા હતા. ગ્લાઈડર ઉપડ્યું પણ હતું પરંતુ ટેકનિકલ ખામીના કારણે તે ક્રેશ થઈ ગયું હતું. અધિકારીઓ ટેકનિકલ ખામીઓ શોધી રહ્યા છે.
તાજેતરમાં બાલાઘાટમાં એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટ સહિત ટ્રેઇની યુવતીનું મોત થયું હતું. આ ચાર્ટર્ડ પ્લેને લગભગ 15 મિનિટ પહેલા બિરસી એરક્રાફ્ટથી ઉડાન ભરી હતી. દુર્ઘટના બાદ વિમાન બળીને રાખ થઈ ગયું હતું.