ગુજરાત વિધાનસભામાં આજથી બે દિવસનું ટૂંકું ચોમાસું સત્ર શરૂ થયું છે. સત્રના પહેલા દિવસે ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુજરાત ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય જીતુ વાઘાણી વાજપેયીને શોકાંજલિ પાઠવી રહ્યા હતા તે દરમિયાન અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ પંચાલ ગાઢ નિદ્રામાં પોઢતાં જોવા મળ્યા હતા. શોકાંજલિ સમયની ટીવી તસવીરો અને વીડિયો બહાર આવી છે જેમાં સમગ્ર બનાવ કેદ થયો છે.પ્રથમ દિવસે વાજપેયીને શ્રદ્ધાંજલિ બાદ ગૃહ મુલત્વી
પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી ઉપરાંત અવસાન પામેલા વિધાનસભાના અન્ય 9 જેટલા પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ ગૃહ મુલત્વી રાખવામાં આવ્યું હતું.
વિધાનસભામાં કોને શોકાંજલિ અપાઈ?
ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયી, પૂર્વ મંત્રી સ્વ. અમરસિંહ ભૂપતસિંહ વાઘેલા, રાજ્યકક્ષાના મંત્રી સ્વ. હરીલાલ નારજી પટેલ તથા પૂર્વ ધારાસભ્યો સ્વ. શંકરદાસ રામદાસ મકવાણા, સ્વ. નારસિંહભાઈ ધનજીભાઈ પઢિયાર, સ્વ. મહંમદ હાફેજી ઈસ્માઈલ પટેલ, સ્વ. મણિભાઈ રામભાઈ રામજીભાઈ ચૌધરી, સ્વ. ઈકબાલભાઈ ઈબ્રાહિમભાઈ પટેલ, સ્વ. ગુલસિંગભાઈ રંગલાભાઈ રાઠવા અને સ્વ. અરવિંદસિંહ દામસિંહ રાઠોડને શોકાંજલિ અપાઈ હતી.
બે બાજુ ઘેરવાની કોંગ્રેસની રણનીતિ
ગુજરાત વિધાનસભાના બે દિવસના ટૂંકા ચોમાસું સત્રનો પ્રારંભ આજે મંગળવારથી થયો હતો. કોંગ્રેસે સત્રના પ્રથમ દિવસે જ ખેડૂત આક્રોશ રેલી તથા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. કોંગ્રેસના કાર્યક્રમને પગલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી લઇને વિધાનસભા- સચિવાલય સંકુલમાં કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી. વિધાનસભા બહાર અને અંદર એ બંને બાજુ સરકારને ઘેરવાની રણનીતિ કોંગ્રેસ બનાવી છે