પાર્ટી કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડશે
સ્થાપના દિવસ નિમિત્તે એક સપ્તાહ સુધી વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન
ભારતીય જનતા પાર્ટી આજે તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. સ્થાપના દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસદો અને કાર્યકરોને સંબોધશે તેમજ દેશભરમાં અનેક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સેવાને પ્રાથમિકતા આપવામાં આવશે. આ દરમિયાન પાર્ટી કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડશે.
આજના જ દિવસે વર્ષ 1980માં ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ હતી. આ પહેલા તેનું નામ જનસંઘ હતું જે 1977માં જનતા પાર્ટીમાં ભળી ગઈ હતી. ભારતીય જનતા પાર્ટી આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. સ્થાપના દિવસ નિમિત્તે એક સપ્તાહ સુધી વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટીના સ્થાપના દિવસ પર દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આ ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ વિવિધ કાર્યક્રમો દ્વારા લોકો સુધી પાર્ટીનો સંદેશો પહોંચાડશે.
ભાજપ ‘સામાજિક ન્યાય સપ્તાહ’ ઉજવશે
આજે ભાજપના તમામ રાજ્યોમાં મુખ્યમંત્રી, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ-ધારાસભ્ય પોતપોતાના વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરશે અને લોકોને પાર્ટીની નીતિઓ વિશે માહિતગાર કરશે. તમામ જિલ્લા, મંડલ અને બૂથ સમિતિઓના સ્તરે દિલ્હીમાં લગભગ 14,000 સ્થળોએ નાના-મોટા સ્થાપના દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યકર્તાઓ સામૂહિક રીતે વડા પ્રધાન મોદીના સ્થાપના દિવસના સંદેશને સાંભળશે.
વિશ્વની સૌથી મોટી પાર્ટી
1980માં શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. ભાજપનો દાવો છે કે 18 કરોડથી વધુ લોકો પાર્ટીના સભ્ય બન્યા છે. આ સંદર્ભમાં, દેશની લગભગ 13 ટકા વસ્તી ભાજપના કાર્યકરો છે. એવું નથી કે ભાજપ શરૂઆતથી જ સૌથી મોટી પાર્ટી રહી છે. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા ત્યાં સુધીમાં ભાજપના સભ્યોની સંખ્યા લગભગ છ કરોડ હતી. છેલ્લા સાત વર્ષમાં 12 કરોડથી વધુ સભ્યો વધ્યા છે.