નીરજ ચોપરાએ નવી સિઝનની શરૂઆત ગોલ્ડ મેડલ જીતીને કરી
નીરજ ચોપરાનો પહેલો થ્રો લીગની સ્પર્ધાનો સર્વશ્રેષ્ઠ થ્રો રહ્યો હતો
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ નવી સિઝનની શરૂઆત ગોલ્ડ મેડલ જીતીને કરી છે. નીરજ ચોપરાએ ગઈકાલે દોહા ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. દોહાના કતાર સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત સ્પર્ધામાં નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટર ભાલો ફેંક્યો હતો. નીરજનો પહેલો થ્રો સ્પર્ધાનો સર્વશ્રેષ્ઠ થ્રો રહ્યો હતો.
નીરજનો પહેલો પ્રયાસ ફાઇનલમાં પહોંચવાનો રહેશે
ભારતીય સ્ટાર એથ્લેટનો પ્રથમ થ્રો જ 88.67 મીટર હતો. આ થ્રો સાથે નીરજે 6માંથી પ્રથમ થ્રોમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જોકે તે પછીના 5 થ્રોમાં આ આંકડો પાર કરી શક્યો ન હતો. નીરજનો બીજો સર્વશ્રેષ્ઠ થ્રો 86.52 મીટર રહ્યો હતો. જે છેલ્લા પ્રયાસમાં આવ્યો હતો. આ રીતે નીરજે દોહામાં ‘વર્લ્ડ લીડિંગ’ પદ હાંસલ કર્યું. તેના પછી બીજા નંબરે ચેક રિપબ્લિકનો જેકોબ વેડલીચ હતો, જેનો સર્વશ્રેષ્ઠ થ્રો 88.63 મીટર હતો. વર્ષના બાકીના મહિનામાં વિશ્વભરના વિવિધ શહેરોમાં ડાયમંડ લીગના વધુ રાઉન્ડ યોજાશે. ડિસેમ્બરમાં યુજેનમાં ફાઇનલ થશે. નીરજનો પહેલો પ્રયાસ આ ફાઇનલમાં પહોંચવાનો રહેશે, જ્યાં તે સતત બીજું ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે.
ગયા વર્ષે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શક્યો ન હતો
નીરજ ચોપરાનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 89.94 મીટર છે જે એક રાષ્ટ્રીય રેકોર્ડ પણ છે. નીરજે વર્ષ 2018માં દોહા ડાયમંડ લીગમાં 87.43 મીટરના થ્રો સાથે ભાલો ફેક્યો હતો. તે ચોથા ક્રમે રહ્યો હતો. નીરજ ચોપરા ગયા વર્ષે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શક્યો ન હતો. ગયા સપ્ટેમ્બરમાં ઝ્યુરિચમાં 2022 ગ્રાન્ડ ફિનાલે જીત્યા બાદ તે ડાયમંડ લીગ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો હતો. આ ઉપરાંત કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે નીરજને દોહા ડાયમંડ લીગમાં જીત પર અભિનંદન પાઠવ્યા છે.
નીરજ ચોપરાનું દોહા ડાયમંડ લીગમાં પ્રદર્શન
પ્રથમ થ્રો – 88.67 મી
બીજો થ્રો – 86.04 મી
ત્રીજો થ્રો – 85.47 મી
ચોથો થ્રો – એક્સ
પાંચમો થ્રો – 84.37મી
છઠ્ઠો થ્રો – 86.52 મી