સુર્યકુમારે દર્શકોને ખુશ કર્યા જ્યારે રાશિદે ઓલરાઉન્ડ પ્રદર્શનથી સૌનુ દિલ જીત્યુ, T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ

0
0

ગુજરાતની ટીમે મુંબઈ સામે 27 રનથી હારી ગઈ હતી

IPL 2023માં ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી 57મી મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર રમતથી દર્શકોને ખુશ કર્યા હતા પરંતુ રાશિદ ખાને તેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી સૌનુ દિલ જીતી લીધુ હતું. ગુજરાતની ટીમ ભલે મેચ હારી હોય પણ રાશિદ ખાનની આક્રમક ઈનિંગની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.રાશિદ ખાને આ મેચમાં પહેલા 4 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી ત્યારબાદ તેણે બેટિંગમાં પોતાની પ્રતિભા બતાવી હતી. અફઘાનિસ્તાનના આ ખેલાડીએ 32 બોલમાં 3 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી વિસ્ફોટક 79 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ મેચમાં રાશિદ ખાનનો સ્ટ્રાઈક રેટ 246.88 હતો. જો કે તે પોતાની ટીમને જીતાડી શક્યો ન હતો. ગુજરાતની ટીમે મુંબઈ સામે 191 રન બનાવ્યા હતા અને તે 27 રનથી હારી ગઈ હતી. રાશિદ ખાને પોતાની ઇનિંગના દમ પર માત્ર IPLમાં જ નહીં પરંતુ T20 ક્રિકેટમાં પણ ઇતિહાસ રચ્યો છે. આજ સુધી કોઈ પણ બેટ્સમેને ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 8 કે તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે 10 સિક્સર ફટકારી નથી, રાશિદ ખાન આમ કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ ઉપરાંત તેણે IPLના ઈતિહાસમાં 8મા નંબરે અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરીને સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. રાશિદના અણનમ 79 રન પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સના નામે હતો જેણે 2021માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે અણનમ 66 રન બનાવ્યા હતા. 

યુઝવરાજ સિંહનો રેકોર્ડ તોડવામાં ચૂકી ગયો

રાશિદ ખાન પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુઝવરાજ સિંહનો રેકોર્ડ તોડવામાં ચૂકી ગયો હતો. IPLના ઈતિહાસમાં આવું 7મી વખત બન્યું છે જ્યારે કોઈ ખેલાડીએ 4 વિકેટ લેવાની સાથે ફિફ્ટી પણ ફટકારી હોય. આ પહેલા યુવરાજે 2011માં દિલ્હી અને 2014માં રાજસ્થાન સામે કારનામો કર્યો હતો. યુવરાજે રાજસ્થાન રોયલ્સ સામે 4 વિકેટ સાથે 83 રનની ઇનિંગ રમી હતી. રાશિદ ખાન માત્ર 5 રનથી યુવરાજનો આ રેકોર્ડ તોડવામાં ચુકી ગયો હતો.