આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 28 મેથી દહેરાદૂન અને દિલ્હી વચ્ચે નિયમિતપણે દોડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે દેહરાદૂનથી દિલ્હી વચ્ચે શરુ થનાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અને ઉત્તરાખંડની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે.
આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે
આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 28 મેથી દહેરાદૂન અને દિલ્હી વચ્ચે નિયમિતપણે દોડવાની છે. આ અગાઉ મંગળવારે દિલ્હી અને દેહરાદૂન વચ્ચે આઠ ડબ્બાવાળી આ એક્સપ્રેસ ટ્રેનનું ટ્રાયલ રન સફળ રહ્યું હતું. આ ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ સવારે 7.00 કલાકે દોડશે. રેલવે બોર્ડના જોઈન્ટ ડાયરેક્ટે જણાવ્યું હતું કે ટ્રેનમાં દેહરાદૂન અને દિલ્હી વચ્ચે માત્ર પાંચ સ્ટોપેજ હશે. આ સ્ટોપેજમાં હરિદ્વાર, રૂરકી, સહારનપુર, મુઝફ્ફરનગર અને મેરઠનો સમાવેશ થાય છે. ટ્રેનની મહત્તમ સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઉપરાંત સરેરાશ સ્પીડ 63.41 નક્કી કરવામાં આવી છે. ટ્રેનનું ભાડું પણ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાડું શતાબ્દી એક્સપ્રેસ કરતા 1.2 થી 1.3 ટકા વધુ હોઈ શકે છે.
આ ટ્રેન ફક્ત આનંદ વિહાર સુધી જ જશે
વંદે ભારત દેહરાદૂનથી દોડતી સૌથી ઝડપી ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ કરતાં એક કલાક કરતાં ઓછા સમયમાં દિલ્હી પહોંચી જશે. જો કે શતાબ્દી એક્સપ્રેસ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન સુધી ચલાવવામાં આવે છે. જ્યારે આ ટ્રેન ફક્ત આનંદ વિહાર સુધી જ જશે. આ ટ્રેન મુસાફરી માટે 4 કલાક 45 મિનિટ લેશે. આ વંદેભારત એક્સપ્રેસ ટ્રેન સવારે 7 વાગ્યે દૂનથી નીકળીને સવારે 11.45 વાગ્યે આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચશે. વંદે ભારત ગાઝિયાબાદ રેલવે સ્ટેશનથી ધીમી ગતિએ પસાર થશે.