ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ જ્યારથી રિલીઝ થઈ ત્યારથી વિવાદોમાં ઘેરાઈ છે. ફિલ્મમાં મનોજ મુંતશિરના ડાયલોગ્સને ફિલ્મ રિલીઝ થયા બાદથી ખૂબ જ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. થિયેટરમાં ફિલ્મ રિલીઝ થયા બાદ તરત જ રામ ભક્ત હનુમાનના ડાયલોગ સવાલોના ઘેરામાં આવી ગયા છે. દર્શકો હનુમાનજીને આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા જોઈ ભડકી ઉઠ્યા છે. જોકે, કંટ્રોવર્સીને ધ્યાનમાં રાખી નિર્માતાઓએ કહ્યું કે, તેઓ ડાયલોગમાં ફેરફાર કરશે. પરંતુ આદિપુરુષ વિરુદ્ધ ટીકા બંધ થવાનું નામ નથી લઈ રહી. આ વચ્ચે હવે મનોજ મુંતશિરે મહાભારતના કર્ણ પર એક કવિતા શેર કરી છે. જેમો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મનોજ મુંતશિર આ ખાસ વીડિયો સાથે એ જ વાત પર ભાર મૂકતા નજર આવી રહ્યા છે જે તેમણે ગત દિવસોમાં ટાવીટર પર લખેલી પોતાની નોટમાં શેર કરી હતી. પોતાની નોટમાં ડાયલોગ રાઈટરે લખ્યું હતું કે, જે લોકોને હું મારો મિત્ર સમજતો હતો એ જ લોકોએ સોશિયલ મીડિયા પર મને ગાળો આપી, તેમણે મારી માતાનો ગાળો આપી. ભલે અનેક લોકોએ મનોજનો સાથ છોડી દીધો હોય પરંતુ એવું લાગે છે કે, તેઓ પોતાના વિશ્વાસ પર અડગ છે.
મનોજે પોતાની નોટમાં જણાવ્યું કે, તેણે ફિલ્મ માટે 4,000 થી વધુ ડાયલોગ લખ્યા હતા, પરંતુ માત્ર પાંચ ડાયલોગથી લોકો નારાજ થયા હતા. તેમણે દર્શકોને યાદ અપાવ્યું કે તેણે જ ‘જય શ્રી રામ’, ‘શિવોહમ’, ‘રામ સિયા રામ’ના ગીતો પણ લખ્યા છે. હનુમાનજી માટે મનોજ મુંતશિરે લખેલા ડાયલોગ દર્શકોને બિલકુલ પસંદ નથી આવ્યા. નેટીઝન્સ આ ડાયલોગ્સને ટપોરી ડાયલોગ કહી રહ્યા છે. લોકો હનુમાનજીના આ સ્વરૂપને સ્વીકારવા બિલકુલ તૈયાર નથી.