ભારત હાલ સૌથી મોટી અર્થવ્યવસ્થાની યાદીમાં પાંચમાં ક્રમે
જીડીપી વૃદ્ધિમાં વિશ્વમાં સૌથી આગળ ભારત
ભારતએ વિશ્વનો એવો દેશ છે જે હાલ ખુબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે ભારત ટૂંક સમયમાં વિશ્વના ટોપ-3 શક્તિશાળી દેશોમાં સામેલ થઈ જશે. એવામાં એક રીપોર્ટ સામે આવ્યો છે. વિશ્વની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સેશેએ બહાર પાડેલ રીપોર્ટ મુજબ વર્ષ 2075 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થા અમેરિકાને પછાડી દેશે અને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થશે તેની પાછળનું મુખ્ય કારણ?
ભારતની અર્થવ્યવસ્થાને લઈને વિશ્વનો દૃષ્ટિકોણ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. આનું કારણ આપણી ઝડપથી વધી રહેલી મધ્યમ વર્ગની વસ્તી અને તેની સાથે વધતી માંગ અને વપરાશ છે. આજે ભારતની કુલ વસ્તીમાંથી 31 ટકા મધ્યમ વર્ગની છે. વર્ષ 2031 સુધીમાં તે વધીને 38 ટકા થવાનો અંદાજ છે. તે જ સમયે, વર્ષ 2047 સુધીમાં, ભારતીય વસ્તીમાં મધ્યમ વર્ગની વસ્તી 60 ટકા સુધી પહોંચી જશે. જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે દેશમાં 1 અબજથી વધુ લોકો મધ્યમ વર્ગમાં હશે.
ભારત હાલ સૌથી મોટી અર્થવ્યવસ્થાની યાદીમાં પાંચમાં ક્રમે
ભારત તાજેતરમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં પાંચમા ક્રમે છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા $23.3 ટ્રિલિયનના GDP સાથે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે. ચીન 17.7 ટ્રિલિયન ડોલર સાથે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ત્રીજા નંબર પર જાપાન છે, જેની જીડીપી 4.9 ટ્રિલિયન ડોલર છે ત્યારબાદ જર્મની $4.3 ટ્રિલિયન સાથે ચોથા નંબર પર આવે છે. જયારે ભારત 3.2 ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે પાંચમા ક્રમે છે.
જીડીપી વૃદ્ધિમાં વિશ્વમાં સૌથી આગળ ભારત
ગોલ્ડમેન સેશેનું કહેવું છે કે, 1.4 અબજની વસ્તી ધરાવતું ભારત જીડીપી ચાર્ટમાં આગળ વધી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં પ્રતિભા, વર્કફોર્સ અને સૌથી વધુ કાર્યકારી વયની વસ્તી અર્થતંત્રને ઝડપથી વિકાસ કરવામાં મદદ કરશે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ભારતની જીડીપી વૃદ્ધિ 7.2% હતી, જે આ સમયગાળા દરમિયાન વિશ્વમાં સૌથી વધુ છે.