જયપુરથી આવતી ટ્રેનમાં ઉપરી એએસઆઈ સહિત પ્રવાસીઓને વીંધી નાખ્યા
થાફરેલ જવાને જુદાજુદા કોચ તથા પેન્ટ્રીકારમાં જઈ એસોલ્ટ રાઈફલમાંથી ૧૨ રાઉન્ડ ફાયર કર્યાઃચેન ખેંચાતાં દહીંસર સ્ટેશને ભાગ્યો પરંતુ મીરા રોડથી પકડાયાડ
સમગ્ર દેશને હચમચાવી નાખનારા એક આઘાતજનક બનાવમાં આજે સવારે મુંબઈ નજીકના પાલઘર સ્ટેશન પાસે જયપુરથી મુંબઈ આવી રહેલી ટ્રેનમાં એસ્કોર્ટની ડયૂટી પર હાજર આરપીએફ જવાને ટ્રેનના જુદા જુદા ત્રણ કોચમાં અંધાધૂંધ ગોળીઓ ચલાવી તેના ઉપરી સહાયક સબ ઈન્સ્પેક્ટર તથા અન્ય ત્રણ પ્રવાસીને ઠાર કર્યા હતા. દોડતી ટ્રેનમાં નજર સામે જ પ્રવાસીઓ ફાટી આંખે અને ફફડતા હૈયે આ ખૂની ખેલ જોતા રહી ગયા હતા. બેફામ હિંસાચાર આચરીને આ જવાન દહીંસર સ્ટેશન પાસે ટ્રેનની ચેઈન ખેંચાયા બાદ ઉતરીને ભાગ્યો હતો જોકે, ત્યાં સુધીમાં એલર્ટ થઈ ચૂકેલી રેલવે પોલીસે તેને મીરા રોડ પાસેથી પકડી લીધો હતો. આ જવાનની માનસિક હાલત સારી ન હતી અને તે બહુ સનકી હતો તેવું હવે રેલવે તથા આરપીએફ સત્તાવાળા કહી રહ્યા છે તો આવા જવાનને આધુનિક રાઈફલ સાથે ટ્રેનમાં ફરજ સોંપી પ્રવાસીઓની તથા આરપીએફના અન્ય સ્ટાફની જિંદગી કેમ જોખમમાં મૂકવામાં આવી તેવા સવાલો ઉઠી રહ્યા છે.
ટ્રેન નંબર ૧૨૯૫૬ તરીકે દોડતી જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ગઈકાલે બપોર બે વાગ્યાની આસપાસ ે જયપુરથી રવાના થઈ હતી. આજે સવારે સાત વાગ્યાની આસપાસ તે મુંબઈ સેન્ટ્ર લ પહોંચવાની હતી. પરોઢે ચાર વાગ્યેા આસપાસ તેણે વાપી સ્ટેશન છોડયું હતું. તે પછી સવારે છ વાગ્યા આસપાસ બોરીવલી આવવાનુ ંહતું. સ્વાભાવિક રીતે જ તમામ પ્રવાસીઓ ટ્રેનમાં નિંદ્રાધીન હતા. ટ્રેનમાં સુરતથી રાતે પોણાત્રણની આસપાસ એએસઆઈ ટીકારામ મીણાની એસ્કોર્ટ ટીમ ચઢી હતી. તેમની ટીમમાં ચેતન સિંહ નામનો ૩૩ વર્ષીય જવાન પણ હતો. આટીમે આગલા દિવસે દાદર પોરબંદર ટ્રેનને સુરત સુધી એસ્કોર્ટ કરી હતી. ગઈકાલે સુરતથી તેમની ડયૂટી બદલાઈ હતી એ તેમને જયપુર -મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસમાં ફરજ સોંપાઈ હતી.
વહેલી પરોઢે અચાનક જ થર્ડ એસી કોચ બી ફાઈવમાં માથાફરેલ જવાન ચેતનસિંહે ખૂની ખેલ શરુ કર્યો હતો. આશરે ૫.૨૩ની આસપાસ તેણે પોતાના હસ્તકની એસોલ્ટ રાઈફલથી એએસઆઈ ટીકારામ મીણા પર ગોળી ચલાવી હતી. બાદમાં તેણે અન્ય પ્રવાસીઓ પર પણ અંધાધૂંધ ગોળીઓ છોડી હતી. તે બીફાઈવ ઉપરાંત એક્સ સિક્સ કોચમાં પણ ફર્યો હતો અને પેન્ટ્રી કારમાં પણ ગય ોહતો. આ બધી જગ્યાએ તેણે કુલ ૧૨ રાઉન્ડ ફાયર કર્યા હતા.
આ ગોળીબારમાં એસ્કોર્ટ ડયુટી ઈન્ચાર્જ ટીકારામ મીણા સહિત અન્ય ત્રણ પ્રવાસીઓના ંમોત નીપજ્યાં હતાં. એસ્કોર્ટ કાફલામાં અન્ય બે આરપીએફ જવાનો પણ હતા પરંતુ તેઓ ચેતન સિંહે તેમને નિશાન બનાવ્યા ન હતા. સમગ્ર ઘટનાક્રમ અંગે આ બંને જવાનોના નિવેદન લેવાયાં છે અને તેમની જુબાની પરથી ખરેખર આ બનાવનું કારણ શું હોઈ શકે તેનો ખ્યાલ આવશે. અન્ય પ્રવાસીઓનાં પણ નિવેદન લેવાયાં છે.
પ્રાથમિક માહિતી અનુસાર ેકોન્સ્ટેબલ ચેતન સિંહે તેની એઆરએમ રાઈફલથી ૫૭ વર્ષીય ઈન્ચાર્જ એએસઆઈ ટીકારામ મીણા અને કોચ નંબર બી-પાંચના એક અજાણ્યા પેસેન્જર પર ગોળીબાર કર્યો હતો અને પછી કોચ નંબર છ અને ટ્રેન સાથે જોડાયેલ પેન્ટ્રી કારમાં બે અન્ય અજાણ્યા પેસેન્જર પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં આ ચારેય માર્યા ગયા હતા.
ચાલુ ટ્રેને આતંકના ઓથારથી નિંદ્રાધીન પ્રવાસીઓ હબકી ગયા હતા. ઘટના પછીના તરત વાયરલ થયેલા વીડીયોમાં ચેતન સિંહ રાઈફલ સાથે કોચના પેેસેજમાં આંટા મારી રહેલો દેખાય છે અને તેની હવે પછીની ગોળીનું નિશાન કોણ હોઈ શકે એ વાતથી ફફડતા પ્રવાસીઓ ચૂં કે ચાં કરવાની સ્થિતિમાં નહીં હોવાનું તેવું જણાય છે. કેટલાક અહેવાલો અનુસાર ચેતન સિંહે તો કેટલાક અહેવાલો અનુસાર કોઈ પ્રવાસીઓ ચેઈન ખેચી હતી. મીરા રોડ અને દહિંસર વચ્ચે ટ્રેન અટકી ત્યારે ચેતન સિંહ રાઈફલ સાથે જ નીચે કૂદી પડયો હતો અને ભાગ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં એજન્સીઓ એલર્ટ થઈ ચૂકી હતી મીરા રોડ સ્ટેશન પાસે જ ચેતનસિંહને પકડી લેવામાં આવ્યો હતો. ટ્રેનને ૬. ૧૮ કલાકે બોરીવલી સ્ટેશને થોભાવી મૃતદેહોને કાંદિવલીની શતાબ્દિ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની ઔપચારિકતા પાર પાડવામાં આવી હતી. બાદમાં અન્ય ત્રણ મૃતકોની ઓળખ ૪૮ વર્ષીય મોહમ્મદ હુસૈન ભાનપુરવાલા , ૪૮ વર્ષીય અખ્તર અબ્બાસ અલી તથા સાદર મોહમ્મદ હુસૈન તરીકે થઈ હતી.
આરપીએફનો મૃતક ટીકારામ મીણા રાજસ્થાનના સવાઈ માધોપુરનો રહેવાસી હતો અને આરોપી ચેતન સિંહ ઉત્તર પ્રદેશના હાથરસનો રહેવાસી છે. ફરજ પર આ બન્ને સાથે અન્ય બે આરપીએફજવાનહતા
આરપીએફના પશ્ચિમ રેલવેના આઈજીપી પ્રવીણ સિન્હાએ કહ્યું હતું કે આરોપી એકદમ ગરમ માથાનો હતો. ઝઘડો થાય એવી કોઈ વાત થઈ ન હતી. ચેતનને માત્ર અમુક વાત પર ગુસ્સો આવ્યો અને તેના સિનિયરને ગોળી મારી હતી પછી તેણે જે પણ વ્યક્તિ સામે દેખાઈ તેના પર ગોળી ચલાવી હતી.
પશ્ચિમ રેલવેએ કહ્યું છે કે તેમણે બનાવ અંગે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલુ કરી છે. ચેતન સિંહની ડયૂટી હાલ લોઅર પરેલમાં હતી. આ પહેલાં તે ગુજરાતમાં પણ ફરજ બજાવી ચૂક્યો છે. આરોપીની પોસ્ટ લોઅર પરેલમાં હતી. રેલવેએ જણાવ્યું હતું કે, આરપીએફ કોન્સ્ટેબલે પાલઘર સ્ટેશનને પાર કર્યા પછી ચાલતી ટ્રેનની અંદર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ ટ્રેન જ્યારે દહીંસર સ્ટેશન નજીક પહોંચી ત્યારે સાંકળ ખેંચી ટ્રેનમાંથી કૂદીને આરોપી નીકળી ગયો હતો.જીઆરપી અને આરપીએફ અધિકારીઓની મદદથી મીરા રોડ સ્ટેશને પોલીસે તેને પકડયો હતો.
ટીકારામના પરિવારમાં પત્ની અને બે બાળકો પૂજા નામની ૨૫ વર્ષની પુત્રી અને ૩૫ વર્ષનો પુત્ર છે.તે બંને પરિણીત છે.ટીકારામની ૮૦ વર્ષની માતા પણ છે.મૃતક વર્ષ ૨૦૨૫માં નિવૃત્ત થવાના હતા.
મહારાષ્ટ્ર જીઆરપી પોલીસે આરોપી ચેતન સિંહની ધરપકડ કરી છે અને આઈપીસી ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.