– ભારતના રેટિંગને વધારી ઓવરવેઈટ કરાયું જ્યારે ચીનનું ઘટાડી અન્ડરવેઈટ કરાયું
– કોરોના બાદ ચીનમાં સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ઘટી રહી છે જ્યારે ઘરઆંગણે તેમાં સતત વધારો
માત્ર ૨૫૦૦ ડોલરના માથાદીઠ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) સાથે ભારત લાંબા ગાળાની તેજીના ઉંંબરે છે જ્યારે માથા દીઠ ૧૨૭૦૦ ડોલરના જીડીપી સાથે ચીનની તેજી પૂર્ણવિરામને આરે છે. માથા દીઠ જીડીપી દેશના વ્યક્તિ દીઠ આર્થિક ઉત્પાદનનું ગણિત પૂરું પાડે છે. ભારતનું નીચું માથા દીઠ જીડીપી તેને લાંબા ગાળાની દોડ માટે માર્ગ પૂરો પાડે છે અને આ દોડ થકી ભારત અન્ય ઊભરતી બજારો કરતા સારી કામગીરી દર્શાવશે.
જીડીપીથી પારિવારિક દેવાનું પ્રમાણ ભારતમાં ૧૯ ટકા છે જ્યારે ચીનમાં આઆંક જીડીપીના ૪૮ ટકા છે. દેવાનું પ્રમાણ જે તે દેશની આર્થિક સ્થિતિ દર્શાવે છે. વિદેશી બ્રોકિંગ પેઢી મોર્ગન સ્ટેન્લીના એક રિપોર્ટમાં જણાવાયું છે.
કોરોના બાદ ચીનમાં સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ઘટી રહી છે જ્યારે ભારતમાં તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
મોર્ગન સ્ટેન્લીના કેટલાક એનાલિસ્ટોએ તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી અને અહીંનો અભ્યાસ કર્યા બાદ તેમણે ભારત માટેના તેમના રેટિંગને વધારી ઓવરવેઈટ કર્યું છે જ્યારે ચીનનું ઘટાડી અન્ડરવેઈટ કરાયું છે.
આ અગાઉ માર્ચના અંતે મોર્ગન સ્ટેન્લીએ ભારતના રેટિંગને અન્ડરવેઈટથી ઈક્વલ વેઈટ કર્યું હતું. માર્ચની નીચી સપાટીએથી બેન્ચમાર્ક નિફટી૫૦ ઈન્ડેકસમાં ૧૫ ટકા રેલી જોવા મળી છે.
ભૌગોલિકરાજકીય સ્તરે ભારતનો દબદબો વધી રહ્યો છે. આને કારણે બહુધુ્રવિય વૈશ્વિક વિકાસનો લાભ લેવાનું ભારત માટે સરળ બન્યું છે. એફડીઆઈમાં થઈ રહેલા વધારાથી ભારતને લાભ થઈ રહ્યો છે.
બીજી બાજુ ચીન બહુધુ્રવિય વૈશ્વિક દબાણો ખાસ કરીને અમેરિકા તરફથી આવી રહેલા દબાણોને પહોંચી વળવા સંઘર્ષ કરી રહ્યું છે. અમેરિકાના મહત્વના ટેકનોલોજી ઈન્વેસ્ટમેન્ટને ચીનમાં મર્યાદિત બનાવવા અમેરિકાએ હિલચાલ શરૂ કરી છે.
પોઝિટિવ આઉટલુક છતાં, ફુગાવામાં અનપેક્ષિત વધારો અને નાણાં નીતિમાં બદલાવ ભારત માટે કેટલાક ઘટાડા તરફી જોખમો રહેલા છે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.