ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી સરકારી પર આકરા પ્રહાર કર્યા છે. શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, મોદી સરકારે 4.5 વર્ષનો હિસાબ આપવો જ પડશે. વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ઘણાં વાયદા કર્યા હતા. તો હવે તેમણે કેટલા વાયદા પૂરા કર્યા છે તે તેમણે જણાવવું પડશે.
શંકરસિંહ વાઘેલા આ પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં કહ્યું હતું કે, બીજેપી સરકાર સિસ્ટમ વગર કામ કરે છે અને પારદર્શકતાની તો કોઈ વાત જ નથી. 2014માં મોદી સરકારે જે ચૂંટણી ઢંઢેરો બનાવ્યો હતો તેમાં દેશમાં 100 સ્માર્ટ સિટી બનાવવાની વાત કરી હતી. તો તેમાંથી કેટલી સ્માર્ટ સિટી? મોદી સરકારે ‘અમારો સંકલ્પ’ જાહેર કરીને સિસ્ટમ અને પારદર્શકતા સાથે કામ કરવાની વાત કરી હતી. પરંતુ તેમના કામમાં એવી કોઈ પારદર્શકતા દેખાતી નથી. આ ઉપરાંત તેમણે અમારો સંકલ્પમાં પ્રો-એક્ટિવ અને પ્રો-પીપલની પણ વાત કરી હતી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ મોદી સરકારની આયુષ્માન યોજના ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. નોંધનીય છે કે, શંકરસિંહ વાધેલા ગુજરાતના રાજકારણમાં છેલ્લાં 40 વર્ષથી સક્રિય છે અને તેઓ એક માત્ર એવા ગુજરાતના નેતા છે કે, જેઓ બીજેપી અને કોંગ્રેસ બંનેમાં પ્રદેશ અધ્યક્ષ પદે રહી ચૂક્યાં છે.