ગુજરાત કી હવા મેં વેપાર હૈ સાહેબ આ હિન્દી ફિલ્મ રઇસનો ડાયલોગ છે. જે ગુજરાતમાં દારૂના ધંધાથી અંડરવર્લ્ડ સુધીની કહાણી પર આધારીત છે. આ ફિલ્મમાં બાળકો દ્વારા દારૂની હેરફેર કરવામાં આવે છે અને પોલીસથી બચવાનો કિમીયો અજમાવવામાં આવ્યો છે. આવી રીતે જ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સગીર ઉંમરના બાળકો પાસે દારૂ ડિલિવરી કરાવવામાં આવે છે. ચમનપુરા સર્કલથી ગુલબર્ગ સોસાયટીની વચ્ચે જાહેરમાં રીતસર દારૂનો ધંધો થાય છે અને કિશોર ગ્રાહકોને દારૂ આપે છે. આ દારૂની ડિલિવરી આપવામાં ઘણી વખત નાના બાળકોનો પણ ઉપયોગ થાય છે. DivyaBhaskar.comના સ્ટિંગ ઓપરેશનમાં સમગ્ર ઘટનાનો પર્દાફાસ થયો છે.
પોલીસની વાહવાહી કર્યો તેનાથી વિપરત બાબત સામે આવી
પોલીસના ડિપાર્ટમેન્ટના અધિકારીએ તાજતરમાં એક પત્ર લખીને પોલીસ જ દારૂના ધંધામાં મદદગારી કરતી હોવાનું જણાવ્યું હતું. આ પત્રની કેટલી ગંભીરતાથી ઉચ્ચ અધિકારીઓએ કે ગૃહ વિભાગે લીધું છે તે હજી સુધી દેખાતું નથી. આ બધાની વચ્ચે અમદાવાદ પોલીસના ત્રણ ઝોનના ડીસીપીએ પોતાના વિસ્તારમાં આવેલા દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરીને વાહવાહી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો.પરંતુ ખરેખર આનાથી ગંભીર વાત એ છે કે મેઘાણીનગર વિસ્તારમાં ચમનપુરા વિસ્તારમાં જાહેર રોડ પર સગીર ઉંમરના બાળકો પાસે દારૂનો ધંધો કરાવવામાં આવી રહ્યો છે.
બુટલેગર ભાવતાલ કરે અને ગ્રાહકને દૂર ઊભા રાખી બાળક પાસે કરાવે છે ડિલિવરી
DivyaBhaskar.com દ્વારા ચીમન હસમુખની ચાલીમાં ચાલતા દારૂના કારોબારનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સતત બે દિવસ સુધી આ જગ્યાએ સ્ટિંગ ઓપરેશન દરમિયાન ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. તેમજ અહીંયાની સ્થિતિ પોલીસની નજર બહાર હોય તેમ લાગતું નથી. ચીમન હસમુખલાલાની ચાલીના ગેટ નંબર 1ની બહાર બે બુટલેગર ઊભા હોય છે જે દારૂ લેવા આવનાર સાથે દારૂની બોટલનો ભાવતાલ કરે છે. ત્યાર બાદ તેઓ તેમને થોડે દૂર ઊભા રહેવા માટે કહે છે. ત્યાં એક સગીર બાળક ત્યાં આવે છે તે પોતાના પેન્ટમાં દારૂની બોટલ છુપાવીને લાવે છે અને ગ્રાહકને આપી દે છે. આ સ્ટિંગ ઓપરેશન દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ ખાનગી ડ્રેસમાં ત્યાં આવતા હોવાનું પણ દેખાય છે. જ્યારે ત્યાંથી પીસીઆર વાન પણ પસાર થઇ રહેલી કેમેરામાં કેદ થઇ છે.
જાહેરમાં દારૂનું વેચાણ કોઈના ધ્યાનમાં નથી આવતું તે ચોંકાવનારી બાબત
કોઇ પણ વિસ્તારમાં નાની અમથી પણ ગેરકાનૂની ગતિવિધિ થાય તો તેની પોલીસને જાણ હોય છે. તેમજ તેના ઇન્ચાર્જને પણ જાણ હોય છે.પરંતુ આ રીતે જાહેર રસ્તા પર દારૂનું ખરીદ-વેચાણ થાય તે કેમ કોઇના ધ્યાનમાં આવ્યું નથી તે એક ચોંકાવનારી બાબત છે. સ્ટિંગ દરમિયાન આ ઝોનની પોલીસ વિવિધ જગ્યાએ દેશી દારૂના અડ્ડા પર સર્ચ ઓપરેશન કરી રહી હતી પરંતુ આ દારૂના બુટલેગર કેમ દેખાતા નથી તે એક મોટો પ્રશ્ન છે.