પાકિસ્તાન: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવે તે પહેલાં જ ઈમરાન ખાન માટે સારા સમાચાર આવ્યા છે. ગત વર્ષે સૈન્ય ઠેકાણે હુમલા મામલે તેમને 12 કેસમાં જામીન મળી ગયા છે. તેમની સાથે જ વિદેશમંત્રી રહી ચૂકેલા શાહ મહેમૂદ કુરૈશીને પણ રાહત મળી છે. માહિતી અનુસાર પાકિસ્તાનની વર્તમાન ચૂંટણીમાં ઈમરાન ખાનના ઉમેદવારોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેમના સમર્થકો આ વખતે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. જ્યારે નવાઝ શરીફે પણ સરકાર રચવા માટે દાવો કર્યો છે. અહેવાલ અનુસાર પીએમએલ-એન અને પીપીપી મળીને પાકિસ્તાનમાં સરકાર રચી શકે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મે મહિનામાં હિંસાને લઈને ઈમરાન ખાન સહિત પીટીઆઈના અનેક અન્ય નેતાઓ સામે કેસ દાખલ કરાયા હતા. ખરેખર ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેના પછી તેમના સમર્થકોએ હિંસક દેખાવો શરૂ કરી દીધા હતા. તેઓ રાવલપિંડીમાં સૈન્ય પરિસરમાં પ્રવેશી ગયા હતા અને જોરદાર તોડફોડ મચાવી હતી. એવો આરોપ હતો કે ઇમરાન ખાનના જમન પાર્ક ખાતે આવેલા નિવાસની બહાર પોલીસકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરાઈ હતી અને લાહોરમાં પોલીસ સ્ટેશન પર હુમલો કરી દેવાયો હતો. હિંસા બાદ 100થી વધુ સમર્થકોની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ઈમરાન ખાન સામે ચૂંટણી લડવા અંગે પ્રતિબંધ મૂકી દેવાયો હતો.