પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને ડૉ.સ્વામીનાથનને ભારત રત્નની જાહેરાત

0
8
ખેતી અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરનારા ડૉ. સ્વામીનાથનને ભારત રત્ન
વડાપ્રધાન મોદીએ અગાઉ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી

તાજેતર: ભાજપના કદાવર નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાયા બાદ હવે પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે સાથે કૃષિ વિજ્ઞાની ડૉ. એમ.એસ. સ્વામીનાથનને પણ ભારત રત્ન આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.વડાપ્રધાન મોદીએ અગાઉ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી અને હવે ફરી તેમણે વધુ હસ્તીઓના નામ ભારત રત્ન માટે જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. ખેતી અને ખેડૂતોના કલ્યાણ માટે વિજ્ઞાની ડૉ. એમ.એસ.સ્વામીનાથનને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમણે ભારતીય ખેતીના ક્ષેત્રનું આધુનિકરણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ એક ઈનોવેટર, મેન્ટર તરીકે પ્રખ્યાત હતા. દેશની ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવામાં પણ તેમની ભૂમિકા રહી હતી.આ સાથે પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિમ્હારાવ ગારુને પણ ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીયમંત્રી, સાંસદ, વિધાનસભાના સભ્ય તરીકે પણ વર્ષો સુધી તેમની યાદગાર સેવાઓ આપી હતી. તેમના દૂરદર્શી વિચારોએ જ ભારતીય અર્થતંત્રને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ભારતની સમૃદ્ધિ અને વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો.વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને પણ અમે ભારત રત્નથી સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. આ સન્માન દેશ માટે તેમના અતુલનીય યોગદાનને સમર્પિત છે. તેમણે ખેડૂતોના અધિકાર અને તેમના કલ્યાણ માટે આખું જીવન સમર્પિત કરી દીધું હતું. યુપીના મુખ્યમંત્રી રહી ચૂકેલા કે દેશના ગૃહમંત્રી અને આટલું જ નહીં એક ધારાસભ્ય તરીકે પણ તેમણે રાષ્ટ્ર નિર્માણને ગતિ આપી હતી. તે દેશમાં લદાયેલી કટોકટીના વિરોધમાં પણ મજબૂત રીતે ઊભા રહ્યા હતા.’