નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલાં દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે CAA એ દેશનું કાર્ય છે, અમે એને ચોક્કસપણે સૂચિત કરીશું. ચૂંટણી પહેલાં એની સૂચના આપવામાં આવશે અને એનો અમલ પણ કરવામાં આવશે. આ અંગે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ.અમિત શાહે શનિવારે ET નાઉ-ગ્લોબલ બિઝનેસ સમિટમાં આ વાતો કહી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સરકારે CAA લાગુ કરવાનું વચન આપ્યું હતું. જ્યારે ઘણા દેશોમાં લઘુમતી લોકો પર અત્યાચાર થઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસે શરણાર્થીઓને ખાતરી આપી હતી કે તેઓ ભારત આવી શકે છે. તેમને અહીંની નાગરિકતા આપવામાં આવશે, પરંતુ હવે કોંગ્રેસ પોતાના શબ્દો પર ફરી રહી છે.આપણા દેશના લઘુમતી સમુદાયો, ખાસ કરીને મુસ્લિમ સમુદાયને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. CAA કોઈની નાગરિકતા છીનવી શકે નહીં, કારણ કે એમાં આવી કોઈ જોગવાઈ નથી. CAA એ એક કાયદો છે, જે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલા શરણાર્થીઓને નાગરિકતા આપશે.ગયા વર્ષે ડિસેમ્બરમાં કોલકાતામાં એક સભા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે CAAના અમલને કોઈ રોકી શકશે નહીં. શાહે ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર, રાજકીય હિંસા અને તુષ્ટીકરણના મુદ્દાઓ પર મમતા બેનર્જીને ઘેર્યા હતા. તેમણે લોકોને વિનંતી કરી હતી કે તેઓ બંગાળમાંથી મમતા સરકારને હટાવે અને 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ચૂંટે.એ જ સમયે 12 દિવસ પહેલાં કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે કહ્યું હતું કે હું ખાતરી આપું છું કે 7 દિવસમાં નાગરિક સુધારો કાયદો (CAA) દેશભરમાં લાગુ કરવામાં આવશે. બોનગાંવના બીજેપી સાંસદ ઠાકુર દક્ષિણ 24 પરગણાંના કાકદ્વીપમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા.