ભારતે રાજકોટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને ઇનિંગ અને 272 રને હરાવ્યું હતું. 2 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમે રાજકોટમાં માત્ર અઢી દિવસમાં જ વેસ્ટ ઇન્ડીઝની બન્ને ઇનિંગને 98.5 ઓવરમાં ઓલ આઉટ કરી નાખી હતી. ભારતની ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે આ વર્ષે જૂનમાં અફઘાનિસ્તાનને ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ઇનિંગ અને 262 રને હરાવ્યું હતું. આર.અશ્વિન અને કુલદીપ યાદવે ભારત તરફથી ટેસ્ટમાં 6-6 વિકેટ ઝડપી હતી.
ભારતની જીતના 5 હીરો
પૃથ્વી શૅા
વિરાટ કોહલી
રવિન્દ્ર જાડેજા
કુલદીપ યાદવ
આર.અશ્વિન
પૃથ્વી શૅાએ ડેબ્યૂ મેચમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ
પૃથ્વી શૅાએ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતું. ડેબ્યૂ મેચમાં જ પૃથ્વીએ આક્રમક 134 રનની ઇનિંગ રમી હતી. પૃથ્વીએ આ સાથે જ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. પૃથ્વીએ ચેતેશ્વર પૂજારા સાથે મળી બીજી વિકેટ માટે 206 રનની ભાગીદારી પણ નોંધાવી હતી. આ દરમિયાન પૃથ્વીએ 19 ફોર ફટકારી હતી.પૃથ્વી ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો સૌથી નાની ઉંમરનો બેટ્સમને છે. તે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 15મો ભારતીય ખેલાડી છે. તે 100થી ઓછી બોલમાં સદી ફટકારનાર ભારતનો નવમો ક્રિકેટર છે.પૃથ્વી શૅાને આ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ડેબ્યૂ મેચમાં મેન ઓફ ધ મેચ બનનાર તે ભારતનો છઠ્ઠો ક્રિકેટર બન્યો છે.પ્રવીણ આમરે, આરપી સિંઘ, આર.અશ્વિન, શિખર ધવન અને રોહિત શર્મા ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ બની ચુક્યા છે.
વિરાટ કોહલી
વિરાટ કોહલીએ પણ શાનદાર કેપ્ટન્સીની સાથે સાથે સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ 139 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેને 10 ફોર ફટકારી હતી.સૌથી ઓછી ટેસ્ટ અને ઇનિંગ રમીને 24 સદી ફટકારવા મામલે તે બીજા નંબર પર પહોચી ગયો છે, તેને 72મી ટેસ્ટની 123મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી સચિન તેંડુલકરને પાછળ છોડ્યો હતો. સચિને 80મી ટેસ્ટની 125મી ઇનિંગમાં પોતાની 24 સદી પૂર્ણ કરી હતી. આ મામલે ઓસ્ટ્રેલિયાના ડૅાન બ્રેડમેને 43 ટેસ્ટની 66 ઇનિંગમાં પોતાના સદીની સંખ્યા 24 કરી લીધી હતી. વિરાટ કોહલીએ ભારતમાં ટેસ્ટમાં 3 હજાર રન પણ પુરા કર્યા હતા.
રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજાએ પોતાના હોમગ્રાઉન્ડ રાજકોટમાં ઓલ રાઉન્ડર પ્રદર્શન કરી ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારવાની સાથે ટેસ્ટમાં 4 વિકેટ પણ ઝડપી હતી. જાડેજાની કરિયરની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી હતી. જાડેજાએ પોતાની સદીને સ્વર્ગિય માતાને સમર્પિત કરી હતી.
કુલદીપ યાદવ
કુલદીપ યાદવે પોતાની બોલિંગથી વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. કુલદીપે બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો.જ્યારે પ્રથમ ઇનિંગમાં તેને માત્ર 1 જ સફળતા મળી હતી.
આર.અશ્વિન
આર.અશ્વિને પણ ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અશ્વિને ટેસ્ટમાં 6 વિકેટ ઝડપી હતી. અશ્વિને પ્રથમ ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝના 4 જ્યારે બીજી ઇનિંગમાં 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા.