મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના સાળા સંજય સિંહ શનિવારે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. દિલ્હીમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં તેની જાહેરાત કરવામાં આવી. આશા છે કે કોંગ્રેસ શનિવારે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેશે. સંજયસિંહનું કોંગ્રેસમાં જોડાવું મધ્યપ્રદેશ ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ સંજયસિંહ ટિકિટ ન મળવાને કારણે નારાજ હતા.
દિગ્વિજય-સિંધિયા વચ્ચે પણ નહોતી થઈ શકી સહમતિ
પાર્ટી તરફથી પહેલા 31 ઓક્ટોબરે યાદી જાહેર કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ થોડાક નામોને લઈને દિગ્વિજય અને સિંધિયા વચ્ચે સહમતિ નહોતી સધાઈ. આ ઉપરાંત બંને નેતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે જ ઝઘડી પડ્યા હતા. પહેલી યાદીની જાહેરાત ટાળવામાં આવી હતી. શુક્રવારે યાદી જાહેરાત થવાની શક્યતા હતી પરંતુ મોડી રાત્રે પીસીસી ચીફ કમલનાથે નિવેદન આપ્યું કે આજે યાદી જાહેર નહીં થાય.
ભાજપે શુક્રવારે જાહેર કરી હતી યાદી
બીજી બાજુ ભાજપે શુક્રવારે તેમની પહેલી યાદી જાહેર કરી હતી. તેમાં 176 ઉમેદવારોના નામ હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ જૂની સીટ બુધનીથી જ ચૂંટણી લડશે. તે સિવાય ત્રણ મંત્રીયો અને 33 ધારાસભ્યોની ટિકિટ કાપી દેવામાં આવી છે. બે સાંસદોને પણ ભાજપે મેદાનમાં ઉમેર્યા છે.
બાલઘાટની વારાસિવની સીટ પરથી માંગી રહ્યા હતા ટિકિટ
માનવામાં આવે છે કે, સંજય વારાસિવનીથી ટિકિટ માંગી રહ્યા હતા. તેઓ રાજકીય રીતે અહીં સક્રિય છે. ભાજપની પહેલી યાદીમાં વારાસિવનીથી વર્તમાન વિધાયક યોગેન્દ્ર નિર્મલને ઉમેદવાર જાહેર કર્યા હતા. સંજય સિંહ કોંગ્રેસમાં સામેલ થતાં ભાજપના નેતા ડૉ. હિતેશ વાજપેયીએ કહ્યું કે, આ સમયે જે કોંગ્રેસમાં જઈ રહ્યું છે તેમની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ છે. ભાજપ પરિવારવાદ પર નહીં જનતાના સહયોગથી ચાલતી પાર્ટી છે.