વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે આજે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે રક્ષાબંધન નિમિત્તે રજાના માહોલના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ રહ્યા બાદ આજે આકર્ષક ઉછાળા સાથે આગેકૂચ કરી રહ્યા છે. સેન્સેક્સ આજે 300 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ 513.6 પોઈન્ટ વધી 81000 નજીક અર્થાત 80938.38 થયો હતો. નિફ્ટી પણ 24750ના રેઝિસ્ટન્સ લેવલ નજીક 24734.30 થયો હતો. 11.00 વાગ્યે નિફ્ટી 113.30 પોઈન્ટ અને સેન્સેક્સ 330 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોની મૂડી છેલ્લા બે દિવસમાં સમાચાર લખાયા ત્યાં સુધીમાં 4 લાખ કરોડ વધી છે. આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં છેલ્લા કેટલાક દિવસથી તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે. આઈટી ઈન્ડેક્સ 0.99 ટકા અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 0.50 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ પેકમાં ઉછાળામાં રિલાયન્સ, ઈન્ફોસિસનું યોગદાન વધુ જોવા મળ્યું છે. બીજી બાજુ ખાનગી બેન્કોના શેર્સમાં પણ આકર્ષક ખરીદી થઈ રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 2.46 ટકા, એક્સિસ બેન્ક 1.56 ટકા, કોટક બેન્ક 1.18 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. એછડીએફસી બેન્ક પણ 0.42 ટકા ઉછળ્યો છે.
285 શેર્સમાં અપર સર્કિટ :
બીએસઈ ખાતે આજે 285 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 152 શેર્સમાં લોઅર સર્કિટ નોંધાઈ હતી. 244 શેર્સ આજે નવી વાર્ષિક ટોચે અને 18 શેર્સ વાર્ષિક તળિયે પહોંચ્યા હતા. કુલ ટ્રેડેડ 3792 શેર્સ પૈકી 2239 શેર્સ સુધારા તરફી અને 1389 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા.