ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં સોસાયટીમાં મંદિરમાં ઘંટ વગાડવાથી થતા ધ્વનિ પ્રદૂષણ પર ઉત્તર પ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (UPPCB) દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ મામલે લોકો ભારે નારાજગી જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં આવેલી ગૌર સૌંદર્યમ સોસાયટીમાં રહેતા એક રહીશે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરિયાદ કરી હતી કે, સોસાયટીના મંદિરમાં વાગતા ઘંટના કારણે ઘણું ધ્વનિ પ્રદૂષણ થાય છે. આ મામલે UPPCBએ સોસાયટીને નોટિસ ફટકારી છે.સોસાયટીમાં રહેતા મુદિત બંસલે 30મી જુલાઈએ UPPCBને ઈ-મેલ દ્વારા ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ પાંચમી ઓગસ્ટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે મંદિરમાં વાગતા ઘંટથી થતા ધ્વનિ પ્રદૂષણનું નિરીક્ષણ કર્યું. તપાસ દરમિયાન મંદિરના ઘંટમાંથી 70 ડેસિબલનો અવાજ મળી આવ્યો હતો. સોસાયટીને આપવામાં આવેલી નોટિસ અનુસાર, ધ્વનિ પ્રદૂષણ નિયમ, 2000ની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ, જેથી લોકોને ઘંટના અવાજને કારણે સમસ્યાનો સામનો કરવો ન પડે. નોટિસ પર સોસાયટી પાસેથી જવાબ પણ માંગવામાં આવ્યો છે.આ નોટિસ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે, જેના પર લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ઉત્તર પ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે. પ્રદુષણને બદલે મંદિરના ઘંટ પર નોટિસ આપી રહ્યા છે જે ખોટું છે. મંદિરના ઘંટ કારણે અવાજનું પ્રદૂષણ થતું નથી. સોસાયટી અન્ય રહીશોએ આ કાર્યવાહી પાછી ખેંચવાની માંગ કરી છે.