બાળકને ઇમરજન્સી સિઝર કરીને બચાવી લેવામાં આવ્યું છે તેનું નામ મોહમ્મદે ઇબ્રાહિમ રાખ્યું છે.
ઇન્ટરનેશનલ ડેસ્કઃ લંડનમાં એક ભારતીય મૂળની મહિલાની તીર મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના દરમિયાન મહિલા પ્રેગ્નન્ટ હતી અને તેના બાળકને સિઝેરિયન દ્વારા બહાર કાઢવામાં આવ્યું છે. આ મહિલાની હત્યાનો આરોપ તેના ભૂતપૂર્વ પતિ પર છે જે હાલ કસ્ટડીમાં છે. ભારતીય મહિલા દેવી ઉન્માથલિગાડુ હાલ તેના પતિ અને પરિવાર સાથે લંડનમાં રહે છે. ગત સોમવારે દેવી જે સમયે ઘરમાં હતી ત્યારે બહારથી તેના ઉપર તીરથી હુમલો કરવામાં આવ્યો. આ તીર સીધું તેને પેટના ભાગે વાગ્યું હતું. હોસ્પિટલે તીર દેવીના શરીરમાં રાખીને જ સિઝેરિયન કરી બાળકને બહાર કાઢ્યું હતું. આ બાળક હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યું છે.
હોસ્પિટલમાં ઓપરેશન બાદ થયું મહિલાનું મોત
– સ્કોટયાર્ડ ઓફિસરોએ રામનોડ્જ ઉન્માથલિગાડુ (50) પર 35 વર્ષીય દેવીની હત્યા કરવાના આરોપો લગાવ્યા છે.
– મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર, ભોગ બનેલી મહિલાને પેટના ભાગે પણ ઇજા થઇ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં મંગળવારે તેનું મોત થયું હતું.
પહેલાં પતિથી હતા 3 બાળકો
– દેવી ઉન્માથલિગાડુ સના મોહમ્મદ તરીકે ઓળખાય છે. તેણે કથિત રીતે સાત વર્ષ પહેલાં ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો અને ઇમ્તિયાઝ મોહમ્મદ સાથે લગ્ન કર્યા હતા.
– દેવીને પહેલા પતિ રામનોડ્જ ઉન્માથલિગાડુથી ત્રણ બાળકો અને મોહમ્મદથી બે બાળકો હતા. જે બાળકને ઇમરજન્સી સિઝર કરીને બચાવી લેવામાં આવ્યું છે મોહમ્મદે તેનું નામ ઇબ્રાહિમ રાખ્યું છે.
– એક ન્યૂઝપેપર સાથે વાત કરતાં મોહમ્મદ ઇબ્રાહિમે કહ્યું કે, સના ખૂબ જ પ્રેમાળ પત્ની અને માતા હતી. અમે છેલ્લાં સાત વર્ષથી સાથે રહેતા હતા.
દેવીના ઘરની બહારથી જ કર્યો હુમલો
– મોહમ્મદે પોલીસને આપેલા નિવેદન અનુસાર, તેણે શેડમાં આરોપીનો પડછાયો અને તીર જોઇ લીધું હતું. તે ઘરમાં તેની પત્ની અને બાળકોને આ અંગે સજાગ કરવા દોડ્યો, પરંતુ આ દરમિયાન જ દેવીને પેટમાં તીર મારી દેવામાં આવ્યું હતું.
– મોહમ્મદે કહ્યું કે, તીર તેના પેટ અને હૃદયની વચ્ચેના ભાગમાં વાગ્યું હોવાથી બાળક સુરક્ષિત હતું. આ બાળકની ડ્યૂ ડેટ હજુ ચાર અઠવાડિયા બાદ હતી.
– ડોક્ટરોએ તીરને દેવીના શરીરમાં રાખીને જ ઓપરેશન કર્યુ હતું. કારણ કે, જો તીર બહાર કાઢી દેવામાં આવે તો બાળક અને માતા બંનેના જીવને જોખમ હતું.
– દેવીના ભૂતપૂર્વ પતિ રામનોડ્જ ઉન્માથલિગાડુને પોલીસે હાલ કસ્ટડીમાં રાખ્યો છે. ઓલ્ડ બેલી કોર્ટમાં આ અંગે ગુરૂવારે સુનવણી થશે.