વિધાનસભામાં દિપડા ઘૂસી જાય છે તો લોકસભામાં વાંદરાનો ત્રાસ:સચિવાલયે જાહેર કરી માર્ગદર્શિકા

0
42
news/NAT-HDLN-monkey-menace-prevailing-in-new-delhi-including-parliament-gujarati-news-5982201-NOR.html?ref=ht
news/NAT-HDLN-monkey-menace-prevailing-in-new-delhi-including-parliament-gujarati-news-5982201-NOR.html?ref=ht

ગાંધીનગર ખાતે સચિવાલયમાં દીપડો આંટા મારી ગયો એ વાત હજુ તાજી છે ત્યાં લોકસભા સદન ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ નિવાસ સહિતના વીવીઆઈપી સરકારી બંગલાઓમાં વાંદરાઓ આતંક મચાવી રહ્યા છે. વાંદરાઓના ઉત્પાતથી બચવા માટે હાલમાં જ લોકસભા સચિવાલય દ્વારા સભ્યો અને કર્મચારીઓ માટે ખાસ સત્તાવાર માર્ગદર્શિકા પણ જાહેર કરવી પડી છે.

લોકસભા સચિવાલય દ્વારા સંસદના આગામી શિયાળુ સત્ર માટે મંત્રીઓ, સાંસદો, સરકારી અધિકારીઓ અને મુલાકાતીઓ માટે વાંદરાથી બચવા માટે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં વાંદરાથી બચવા માટેની વિવિધ તરકીબો ઉપરાંત વાંદરા ઉશ્કેરાઈને હુમલો ન કરી બેસે એ માટે ચેતવણીઓ પણ આપવામાં આવી છે.

વાંદરાઓના હુમલાથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો

1. વાંદરાઓ સાથે આંખ ન મિલાવવી
2. વાંદરાઓ બચ્ચાં સાથે હોય ત્યારે નજીકથી પસાર ન થવું
3. વાંદરા તમારી ગાડી સાથે અથડાઈ જાય તો ગાડી ઊભી રાખવાની ભૂલ ન કરશો. વાંદરાનું ટોળું તમારા પર હુમલો કરી શકે છે.
4. તમને જોઈને વાંદરા ડરામણા અવાજ કરે તો તેની સામે લાકડી ઉગામવાને બદલે ચૂપચાપ પસાર થઈ જવું.
5. સંસદ પરિસરમાં વાંદરાનો ટોળા દેખાય તો તરત હેલ્પલાઈનને જાણ કરવી.

વાંદરા માટે સંસદમાં સવાલો ય પૂછાયા છે

પરિસરમાં વાંદરાનો ત્રાસ એટલો બધો છે કે જુલાઈ, 2014માં રાજ્યસભામાં વાંદરાઓના ઉત્પાત રોકવા સરકાર શું કરી રહી છે એવો સવાલ પણ પૂછાયો હતો, જેનાં જવાબમાં તત્કાલીન શહેર વિકાસ મંત્રી (અને હાલના ઉપરાષ્ટ્રપતિ) વેંકૈયા નાયડુએ ત્રણ પાના ભરીને જવાબ પણ વાળ્યો હતો. હાલમાં પણ એ મુજબની કાર્યવાહી થઈ રહી છે.

કોર્પોરેશનના 40 કર્મચારીઓ કરે છે વાંદરા ભગાડવાનું કામ

1. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના તાલીમ પામેલા 40 કર્મચારીઓ હાલ વાંદરા ભગાડવાની કામગીરી માટે જ સંસદ પરિસરમાં નિયુક્ત થયેલા છે. એ લોકો વાંદરા જેવો જ અવાજ કરીને વાંદરાના ટોળાને પરિસરથી વિરુદ્ધ દિશાએ હાંકી કાઢે છે.
2. તોફાને ચડેલા વાંદરાઓ માટે રબર બુલેટની જોગવાઈ પણ રાખવામાં આવી છે.
3. અગાઉ મોટા કદના લંગુરને તાલીમ આપીને તેનાં દ્વારા અન્ય વાંદરાઓને ભગાડવામાં આવતાં હતાં. પરંતુ પર્યાવરણ અને વન મંત્રાલય તેમજ મંત્રી મેનકા ગાંધી દ્વારા તેનો વિરોધ થવાથી એ પડતું મૂકવામાં આવ્યું છે.