વડોદરા શહેરમાં દસ દિવસના ઉજવાયેલા ગણોત્સવ બાદ વિસર્જન વિધિ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા આઠ કૃત્રિમ તળાવો ખાતે કરવામાં આવી હતી. વિસર્જન વિધિ પૂર્ણ થયા બાદ આ તળાવમાં કોર્પોરેશને સફાઈ કામગીરી હાથ ધરી હતી, અને આશરે 90 ટન કચરો બહાર કાઢ્યો હતો. જેમાં 25 ટન ફૂલ અને ફૂલહાર, આસોપાલવના પાન વગેરેનો સમાવેશ થતો હતો.આ ઉપરાંત 65 ટન કચરો પ્લાસ્ટિક, કાગળ વગેરેનો હતો. જે 25 ટન ફૂલનો કચરો બહાર કાઢ્યો છે તેને પ્રોસેસ કરવા માટે કોર્પોરેશને મોકલી આપ્યો છે. આ કચરામાંથી બાયો કંપોસ્ટ ખાતર બનાવવામાં આવશે. જ્યારે 65 ટન પ્લાસ્ટિકના કચરાને અટલાદરા કોર્પોરેશનના પ્લાન્ટ ખાતે મોકલ્યો છે. અહીં પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવામાં આવે છે, અને તેમાંથી પ્લાસ્ટિકના દાણા વગેરે તૈયાર કરાય છે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા આઠ કૃત્રિમ તળાવમાં કુલ 14,617 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બુધવારની સવાર સુધી વિસર્જન ચાલુ રહ્યું હતું .વિસર્જન વિધિ પૂર્ણ થયા બાદ કોર્પોરેશન દ્વારા સફાઈની ટીમો કામે લગાડવામાં આવી હતી. ગયા વર્ષે પણ વિસર્જન વિધિ બાદ ફૂલોના કચરામાંથી બાયો કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવ્યું હતું.