ઓડિશામાં યાત્રીઓ ભરેલી બસ બ્રિજ પરથી પડતાં 12નાં મોત

0
35

ઓડિશામાં બસ એક્સિડન્ટની નવી દુર્ઘટના સામે આવી છે. કટક જિલ્લાના જગતપુર પાસે મહા નદી પુલથી યાત્રીઓ ભરેલી એક બસ પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૧૨ યાત્રીઓ મોતને ભેટ્યા છે જ્યારે અન્ય ઘાયલ થયા છે. બસમાં લગભગ ૩૦ યાત્રી સવાર હતા. આ ઘટના એ સમયે ઘટી જ્યારે યાત્રીઓ ભરેલી બસ કટકથી અંગુલ જઈ રહી હતી.

જાણકારી મુજબ આ પ્રાઈવેટ બસ તિલચેરથી કટક જઈ રહી હતી ત્યારે અચાનક પુલની રેલિંગને તોડતાં ૩૦ ફૂટ નીચે પડી ગઈ હતી. નદીમાં પાણી ન હતું અને સૂકી જમીન પર પડતાં કેટલાય લોકો બસની નીચે કચડાઈ ગયા. નજરે જોનાર લોકોએ જણાવ્યું કે બસની સામે એક ભેંસ આવી ત્યાર બાદ ડ્રાઈવર તેને બચાવવા જતાં બસ ઉપરનું નિયંત્રણ ગુમાવી દીધું અને આ ઘટના ઘટી છે. ઘટનાની સૂચના બાદ તરત જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યૂ ટીમ બચાવકાર્યમાં લાગી ગઈ છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.

ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં મૃતકોનાં પરિવારજનોને રૂ. બે લાખનું વળતર આપવાની વાત કરી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક લોકો સાથે મળીને રેસ્ક્યૂ અભિયાનમાં જોડાઈ હતી. ઘાયલોનો ઈલાજ સરકારી ખર્ચ પર કરવાની વાત પણ સરકારે કરી. રાજ્યના ડીજીપી આર.પી. શર્માએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં ઘાયલોને જલદી ઠીક થવાની કામના કરી છે.