અમેરિકાએ પાક.નેે 1.66 અબજ ડોલરની સુરક્ષા સહાય અટકાવી

0
23

અમેરિકાએ પાકિસ્તાનને ૧.૬૬ અબજ ડોલર (રૂ.૧ર,૦૦૦ કરોડ)ની સહાય અટકાવી દીધી છે. આ અગાઉ સોમવારે પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાક.ને આપવાની મદદ અટકાવવા અંગે વાત કરી હતી.
એક પ્રશ્નના જવાબમાં અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા કર્નલ રોબ મેનિંગે જણાવ્યું હતું કે પાકિસ્તાનને આપવાની ૧.૬૬ અબજ અમેરિકી ડોલરની સુરક્ષા સહાય પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
ઓબામા પ્રશાસનમાં અમેરિકન સંરક્ષણ મંત્રાલય તરફથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને મધ્ય એશિયાનું કામકાજ સંભાળનાર ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી ડેવિડ સિડનીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને પોતાના પાડોશી દેશોમાં આતંક ફેલાવતાં સંગઠનોને રોકવા માટે કોઇ કાર્યવાહી કરી નથી અને તેથી આ સહાય અટકાવી દેવામાં આવી છે.
આ અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે પાકિસ્તાને અમેરિકાથી અબજો ડોલર લીધા હતા, પરંતુ ઓસામા બિન લાદેન કયાં રહે છે તે જણાવ્યું નહોતું. એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે પાક. પર એવો આક્ષેપ કર્યો હતો કે લશ્કરી મદદના બદલવામાં પાકિસ્તાને અમેરિકાને કંઇ જ આપ્યું નથી. ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અમે હવે પાકિસ્તાનને અબજો ડોલર આપવાના નથી, કારણ કે તેમણે અમારી પાસેથી નાણાં લીધા અને તેના બદલામાં અમને કંઇ જ આપ્યું નહીં. બિન લાદેન તેનું મુખ્ય ઉદાહરણ છે. અફઘાનિસ્તાન પણ આવો જ દેશ છે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે અમારે ઓસામા બિન લાદેનને ઘણા પહેલાં પકડી લેવો જોઇતો હતો. મેં આ મુદ્દાને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર એટેકના થોડા સમય પહેલાં જ મારા પુસ્તકમાં ઉઠાવ્યો હતો. પ્રમુખ ક્લિન્ટન પોતાનું નિશાન ચૂકી ગયા હતા. આપણે પાકિસ્તાનને અબજો ડોલર આપ્યા, પરંતુુ ઓસામા તેમને ત્યાં હતો તે વાત તેમણે આપણને કયારેય કરી નહીં.