છ દિવસમાં માત્ર 109 જ ખેડૂતોની મગફળી ખરીદાઈ

0
42
peanut gandhinagar selling farmer
peanut gandhinagar selling farmer

રાજય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ગત તા.૧પથી મગફળી ખરીદી કરવાની શરૂ કરી હતી. ગયા વર્ષની જેમ આ વર્ષે ખરીદીમાં કોઈ ગેરરીતી ના થાય તે હેતુથી પુરતી કાળજી રાખી અને ખરીદી કરવામાં આવી રહી છે.

તા.ર૦ સુધીમાં ૧પ૩ર ખેડૂતોના રજીસ્ટ્રેશન સામે માત્ર ૧૦૯ ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવી છે. જિલ્લામાં માત્ર દહેગામ એક જ સેન્ટર ફાળવતા ખેડૂતો અને અધિકારીઓની સ્થિતિ કફોડી બની છે.

ગાંધીનગર જિલ્લામાં મગફળી ખરીદી માટે દહેગામ સેન્ટર પસંદ કરવામાં આવ્યું છે. દહેગામમાં આખા ગાંધીનગર જિલ્લાના ખેડૂતો મગફળી વેચવા માટે આવે છે. શરૂઆતમાં પ૦ સાધનોને મગફળી વેચવા માટે મેસેજ મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ આ આંકડો ઘટાડીને ૩૦ કરવામાં આવ્યો હતો.

પણ પાંચ દિવસમાં માત્ર ૧૦૯ ખેડૂતોની મગફળી ખરીદી થતાં હવે ફરી પ૦ ખેડૂતોને બોલાવવામાં આવી રહયા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે બટાટાની સીઝન આવતી હોવાથી ખેડૂતો પાસે હાલ બિયારણ ખરીદવા પૈસા નથી અને મગફળી જો આ જ ગતિએ ખરીદાશે તો ત્રણ મહિના જેટલો સમય વીતી જશે અને બટાકાની સીઝન જતી રહેશે.

માટે જો જિલ્લાના બીજા સેન્ટરો ઉભા કરવામાં આવે તો ખરીદી ઝડપી બનશે અને ખેડૂતોના પૈસા જે અટવાયા છે તે જલ્દી છુટા થશે માટે ખેડૂતોની લાગણી છે કે જિલ્લાના બીજા સેન્ટરો ઉભા કરવામાં આવે. બીજી તરફ રોજના પ૦ ટ્રેકટર મગફળીની ખરીદીમાં અધિકારીઓની ઠુસ નીકળી જાય છે.

સવારથી લઈને રાતના દસ વાગ્યા સુધી અધિકારીઓ એપીએમસી ખાતે મગફળી ખરીદી કરી અને તેને પેક કરાવી ગોડાઉનમાં ન મોકલે ત્યાં સુધી સ્થળ પરથી ખસાતું નથી. જો જિલ્લા કલેકટર આ બન્ને પક્ષોને ધ્યાનમાં રાખી અને જિલ્લામાં બીજા મગફળી ખરીદી કરવાના સેન્ટર ઉભા કરાવે તો ખેડૂતોને ખુબજ રાહત મળી શકે છે.

peanut gandhinagar selling farmer
Close-up of ripe peanutpeanut gandhinagar selling farmer