Surat News : દેશમાં આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સુરતની બેઠક ખૂબ ચર્ચાસ્પદ બની હતી. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani)નું ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરિફ જાહેર થયા હતા. આ દરમિયાન નિલેશ કુંભાણી કલેક્ટર કચેરીમાં હાજર થઈ ગયા હતા, પરંતુ તેમના ટેકેદાર ન પહોંચતા આખરે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. તે વખતે કુંભાણી વિરુદ્ધ વિરોધનો લોકજુવાળ જોવા મળ્યો હતો. જોકે હવે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે અને તહેવાર ટાણે પણ તેમના વિરુદ્ધ તે વખતનો વિરોધ યથાવત્ જોવા મળી રહ્યો છે. દિવાળીની શુભકામના આપતાં નિલેશ કુંભાણીના પોસ્ટર પર કાળા અક્ષરથી ગદ્દાર લખવામાં આવ્યું હતું.
કુંભાણીનો વિરોધ
નિલેશ કુંભાણીના પોસ્ટર પર કાળા અક્ષરે ગદ્દાર લખવામાં આવ્યું છે. રિક્ષા પર દિવાળીની શુભકામના આપતાં નિલેશ કુંભાણીના પોસ્ટર પર રાત્રિ દરમિયાન ગદ્દાર લખવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટએ કહ્યું કે, નિલેશ કુંભાણીએ કોંગ્રેસની સાથે સાથે સુરતના મતદારો સાથે દ્રોહ કર્યો હતો. જે લોકો ભુલ્યા નથી. જેથી આ પ્રકારે વિરોધ કરી રહ્યાં છે. તમામ શરમ નેવે મૂકનાર દલાલના દલાલ નિલેશ કુંભાણીનો વિરોધ થાય તેમાં કોઈએ નવાઈ પમાડવી જોઈએ નહીં.
નિલેશ કુંભાણીનો વિરોધ
પોસ્ટર પર લખાયેલા લખાણ અંગે પ્રતિક્રિયા આપતાં નિલેશ કુંભાણીએ કહ્યું કે, હું મારા વતનના ગામમાં છું. સુરતમાં નથી. પોસ્ટર કદાચ મારી ઓફિસથી લગાવાયા હોય શકે છે. જેની મને જાણ નથી. સાથે જ પોસ્ટર પર વિરોધમાં જે લખાયું હોય તે અંગે હું કંઈ કહેવા માગતો નથી. જો કે, આ વખતે નિલેશ કુંભાણીના પોસ્ટરમાં કેસરીયો કલર વધુ હોવા અંગે તેણે કહ્યું કે, મને પોસ્ટર કે કલર કશી જ ખબર નથી.