Dhanvantri : દિપાવલી પર્વશ્રૂંખલાનો આજે પરંપરાગત શ્રદ્ધા, રિતરિવાજો સાથે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. રોજ અડધા દિવસની તિથિઓની કડાકૂટને બાજુએ રાખીને લોકોએ આજે એકાદશી અને વાઘબારસ નિમિત્તે ઉપવાસ અને સરસ્વતીપૂજન સાથે ઘરે પ્રકાશના પર્વને ઉજવવા ઘરે દિવડાં પ્રગટાવ્યા હતા, રંગોળીઓ શરૂ થઈ હતી અને રોશનીથી આંગણા ઝળહળી ઉઠયા હતા. આજે ધનતેરસ નિમિત્તે આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીનું શ્રદ્ધાપૂર્વક ઠેરઠેર પૂજન કરાશે અને વર્ષ આખુ નિરોગી રહેવાના આશિર્વાદ મેળવાશે.
ભારતમાં વર્ષ 2016થી ધનતેરસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવાય છે અને દર વર્ષે નવી નવી થીમ હોય છે, આ વર્ષે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ એ મધ્યવર્તી વિચાર ઉપર સમગ્ર રાજ્યમાં ઉજવણી થશે. ઉપરાંત રાજ્યભરના વૈદ્યરાજો દ્વારા આવતીકાલે સવારે શુભ ચોઘડિયામાં ભગવાન ધન્વંતરીના પૂજન, હવન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
રાજ્યમાં 40 સરકારી આયુર્વેદ હોસ્પિટલો અને 856 આયુર્વેદ દવાખાના આવેલા છે, 6 સરકારી ઉપરાંત 60 જેટલી પરંપરાગત સારવાર પદ્ધતિની કોલેજો છે પરંતુ, જે વૈદ્ય પૂરી નિષ્ઠાથી રોગના મૂળમાં જઈને સારવાર કરવાનું કૌશલ્ય ધરાવે છે ત્યાં આજે પણ લાંબી કતારો લાગે છે. રાજકોટની આયુર્વેદ હોસ્પિટલમાં વૈદ્ય ડો.જયેશ પરમારના સમયમાં રોજ 400થી 500 દર્દીઓ આશા સાથે લાંબી કતારોમાં જોવા મળતા હતા.જેના પગલે કરણપરાની જુની હોસ્પિટલ ટૂંકી પડતા યુનિ.રોડ પર અદ્યતન ગવર્ન.આયુર્વેદ હોસ્પિટલ બની છે.
રાજ્યમાં હજુ 4 નવી હોસ્પિટલો બનશે. જ્યાં આજે ધન્વંતરી પૂજન સહિત કાર્યક્રમ યોજાયેલ છે. એકંદરે આયુર્વેદમાં ડીગ્રી કરતા વિશેષ મહત્વ વૈદ્યના વ્યક્તિગત કૌશલ્યનું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દેશના નામાંકિત અને પદ્મ એવોર્ડ વિજેતા એલોપથી તબીબોએ પણ લોકો હૃદયરોગ,ડાયાબીટીસ જેવા રોગથી બચવા આયુર્વેદ યોગ, પ્રાણાયામ, પૌષ્ટિક આહાર વિહાર, તણાવમુક્તિ, નિયમિત કસરત વગેરે ઉપર ભાર મુક્યો હતો.
સૌરાષ્ટ્રમાં ધનતેરસના દિવસે ધન્વંતરી પૂજન સાથે લક્ષ્મી પૂજન પણ પરંપરાગત થતા રહ્યા છે. આ દિવસથી દિપાવલી પંચપર્વનો પ્રારંભ ગણવામાં આવે છે અને આ દિવસ પહેલા ઘરે ઘરે તથા દુકાનો,કારખાનાઓમાં સઘન સફાઈ કરવાની પરંપરા પણ લોકોએ બરાબર જાળવી હતી.
રાજકોટ મહાપાલિકા તથા પોલીસ કમિશનર કચેરી સહિત સહિત અનેક સરકારી કચેરીઓમાં દિપાવલી પર્વ રોશની કરાઈ છે તો 2.7 કિ.મી.ના રેસકોર્સ રીંગરોડ પર રોશની સાથે સંગીતનો મહોત્સવ યોજાયો છે. અનેક મકાનો,શોરૂમ, દુકાનો, મંદિરો વગેરે સ્થળે પણ આજથી રોશની કરાઈ છે. છૂટાછવાયા સ્થળે ફટાકડા ફોડવાનું પણ શરૂ કરી દેવાયું છે.