ગુજરાતમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે. 13 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. રાજ્યમાં 13 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું હતું. અમદાવાદમાં 17.5 ડિગ્રી ઠંડી : 28મી સુધી પારો ગગડીને 14 ડિગ્રી થવાની સંભાવના.નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ નલિયાનું તાપમાન 12થી 14 ડિગ્રી રહેવાની આગાહી છે. નલિયા ઉપરાંત દાહોદ, ડીસા, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, ભુજ, પોરબંદર, ગાંધીનગર, ભાવનગર, અમદાવાદ, અમરેલીમાં પણ 20 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાતા ઠંડી અનુભવાઇ હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદનું તાપમાન આગામી એક સપ્તાહ 17 ડિગ્રીની આસપાસ રહેશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 27મી સુધી 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઇ શકે છે અને ત્યારબાદ પારો ગગડીને 14 ડિગ્રી થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેના કારણે આગળના દિવસોમાં રાજ્યમાં પણ ઠંડો પવન ફૂંકાવા લગાશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે.નલિયા 13.0, દાહોદ 14.0, ડીસા 14.0 ,વડોદરા 14.6, છોટા ઉદેપુર 16.0, રાજકોટ 16.6, ભુજ 16.8, પોરબંદર 17.4, અમદાવાદ 17.5, ગાંધીનગર 17.8, ભાવનગર 17.9, અમરેલી 18.0, કંડલા 19.2, સુરત 21.0