અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજવામાં આવ્યો છે. ત્યારે આ મહોત્સવમાં ગુજરાત, સહિત અન્ય રાજ્યો અને વિદેશથી 1 લાખથી વધુ કાર્યકરો અમદાવાદના સ્ટેડિયમમાં હાજર રહ્યા છે. ત્યારે મહંત સ્વામી મહારાજ સૌ કાર્યકરોને આશીર્વાદ આપવા માટે સ્ટેડિયમમાં પધાર્યા છે. સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમથી કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધનમાં કહ્યું હતું, કે ‘હું ભલે તમારી વચ્ચે ઉપસ્થિત ન થઈ શક્યો પણ આ આયોજનની ઊર્જા અનુભવી શકું છું. આ દિવ્ય કાર્યક્રમ માટે મહંત સ્વામી તથા સંતોનું અભિવાદન તથા નમન કરું છું. કાર્યકર સુવર્ણ મહોત્સવ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાનો ઉત્સવ છે. મારું સૌભાગ્ય છે કે હું BAPSના સેવા કાર્યો સાથે જોડાઈ શક્યો.
ભૂપેન્દ્ર પટેલે કર્યું સંબોધન :
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ઉપસ્થિત સ્વામી-મહંતો, મંત્રી, હરિભક્તો સૌને મારા નમસ્કાર, જય સ્વામી નારાયણ… પ્રમુખ સ્વામી મહારાજના 103મા જન્મજયંતિ પ્રસંગે આપણે સૌ એકત્રિત થયા છીએ. આ દિવ્ય અવસરે મને ઉપસ્થિત રહેવાની તકે મળી એ મારું સૌભાગ્ય છે. સમગ્ર વિશ્વને પ્રેમ, કરુણાનો સંદેશ આપનાર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સ્મરણવંદના કરું છું. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજાએ સંસ્કારોનું વૃક્ષ વાવ્યું. મને લાગે છે કે, આ કાર્યક્રમ સુવર્ણ કાર્યકરોનો સુવર્ણ મહોત્સવ છે.
‘બ્રહ્મવિહારી સ્વામીએ પ્રવચન દરમિયાન કહ્યું કે, ‘ભારત પાકિસ્તાનની મેચ બાદ બીજીવાર સ્ટેડિયમ આખુ ભરાઈ ગયું છે. મેચમાં તો એક ટીમ જીતે અને એક હારે ત્યારે એક તરફ દુખ હોય બીજી તરફ ખુશી હોય, બે પ્રકારની સ્થિતિ હોય છે. પરંતુ આ સ્ટેડિયમમાં આ વખતે ચારે તરફ ખુશી, ઉત્સાહ અને આનંદ છે. આ BAPSની ટીમ છે જે એક જ છે.’એક નાના બીજમાંથી વટવૃક્ષ બન્યું. જેમાં આ સ્વયંસેવકની સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ આ કાર્યકરોની રોમાંચક ગાથાની પ્રસ્તુતિ કરવામાં આવી. આ સાથે વિપરીત પરિસ્થિતિઓમાં પણ સેવામાં અડગ રહેતા BAPSના મહિલા કાર્યકરોના અને પુરુષ કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગો પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું.
આનંદ સ્વરૂપ સ્વામીજીએ કહ્યું કે, BAPSના તમામ કાર્યકરો ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે. જેમાં કેટલાક તો દસકાઓથી સેવા આપી રહ્યા છે. આ તમામ કાર્યકરો નિ:સ્વાર્થ ભાવથી સેવા આપે છે. એક પ્રસંગ હું તમને કહીશ કે, 1992માં ગાંધીનગરના અક્ષરધામનું ઉદ્ધાટન થયું હતું. આ સાથે પ્રભુસ્વરૂપ યોગીજી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ 34 દિવસ સુધી મનાવવામાં આવ્યો હતો, ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા હતા. જેમાં આઇઆઇએમના મુખ્ય કાર્યવાહક ત્યાં આવ્યા હતા. તેમની આ વ્યવસ્થા જોઈને પ્રભાવિત થયા હતા. આ સાથે મહોત્સવમાં એક સંત પાસે જઈને ત્રણ કલાક બેસીને આ વ્યવસ્થા વિશે જાણ્યું છે તેમ કહ્યું હતું. ત્યારે સંતે કહ્યું કે, આ મોટી સફળતા પાછળ કાર્યકરોનો મુખ્ય ફાળો છે. જય હો… આનંદ છાયો… સુવર્ણ મહોત્સવના નાદથી સ્ટેડિયમ ગુંજ્યું. ‘કાર્યકર સુવર્ણમહોત્સવ’ની ઉજવણીમાં એક લાખથી વધુ કાર્યકર્તાઓથી આખું સ્ટેડિયમ છલકાયું છે. આ ભવ્ય ઉજવણીમાં સંગીત, ડાન્સ સહિતના કાર્યક્રમ શરુ કરવામાં આવ્યા છે.
આ રૂટ પર અવરજવર બંધ રહેશે :
અમદાવાદ ટ્રાફિક પોલીસના જાહેરનામા પ્રમાણે, સાબરમતી જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ, કૃપા રેસિડેન્સી, મોટેરા સુધીનો રોડ અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જ્યારે નાના ચિલોડાથી અપોલો સર્કલ સુધીનો માર્ગ ભારે વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
તા.૦૭/૧૨/૨૦૨૪ ના રોજ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા’ ખાતે BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ અન્વયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય દર્શાવ્યા મુજબનો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે. @AhmedabadPolice @GujaratPolice pic.twitter.com/xD61HYisC7
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) December 6, 2024