વડોદરા શહેરમાં પાણીગેટ વિસ્તારમાં રાજારાણી તળાવ પાસેથી પસાર થતી આજવાથી પાણીગેટ ટાંકી થઇ ચાર દરવાજા વિસ્તારમાં આવતી 70 વર્ષ જૂની પાણીની લાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો જથ્થો વેડફાયો હતો. એટલું જ નહી પૂરની પરિસ્થિતિ હોય તે રીતે આજુબાજુની સોસાયટી અને વસાહતોમાં પાણી ફરી વળ્યા હતા. કોર્પોરેશનના તંત્રને જાણ થતા સ્થળ પર પહોંચી જઈ સમારકામની કામગીરી શરૂ કરી હતી જે આજે સવારે 9 વાગે પૂરી થઈ હતી.વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પાણી પુરૂ પાડતા આજવા સરોવરમાંથી ગાયકવાડી સમયની 70 વર્ષ જૂની પાણીની લાઈન પાણીગેટ ટાંકી થઈ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પસાર થાય છે. પાણીની લાઈન ગઈકાલે મોડી સાંજે રાજારાણી તળાવ પાસે તૂટતા ભંગાણ પડયું હતું. પાણીનો જથ્થો આજુબાજુની આવેલી ગૌરવ સોસાયટી, અનુરાધા સોસાયટી, ગીરીરાજ સોસાયટી સહિત વસાહતોમાં ફરી વળતા પાણી ઘુંટણ સમા પાણી ભરાયા હતા. કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. લાઈનમાં ભંગાણ પડતા સમગ્ર વિસ્તારનુ પાણી છેક અજબડી મિલ સુધી પહોંચી ગયુ હતું. આજુબાજુના વિસ્તારોના મકાનોમાં પણ પાણી ભરાયા હતા. જ્યારે સોસાયટીના મુખ્ય રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાઈ જવાથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. દર વખતે શહેરમાં અવારનવાર પાણીની લાઈનમાં ભંગાણ પડે છે ત્યારે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતી રહે છે પરંતુ ગઈકાલે જે રીતે પાણીની લાઈનમાં ભંગાણ પડયું જેથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.