કાશ્મીર થયેલી ભારે હિમવર્ષાના લીધે ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધી રહ્યું છે અને અમદાવાદીઓ જે કડકડતી ઠંડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઠંડી હવે શરૂ થઈ છે. ગત ચોવીસ કલાકમાં માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને -3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે જ્યારે કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે મંગળવારે અમદાવાદમાં સીઝનનું સૌથી ઓછુ 12 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આ ઉપરાંત ગુજરાતના 10થી વઘુ શહેરોમાં 15 ડિગ્રી ઓછું તાપમાન નોધાયું હતું. અમદાવાદમાં સોમાવરથી શહેરીજનોને ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ શરુ થઈ ગયો છે અને આજે તાપમાન ઘટીને 12 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં મંગળવારે લધુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. નવેમ્બર પૂરો થયા બાદ ડિસેમ્બરમાં પણ લધુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઉપર નોંધાયું હતું તેમજ દિવસે બપોરના સમયે શહેરીજનોને ગરમી-તાપનો અનુભવ થતો હતો.પરંતુ બે દિવસથી દિવસે પણ ઠંડા પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને દિવસ દરમિયાન આજે શહેરીજનોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. અમદાવાદમાં આગામી 3 દિવસ 13મી સુધી લધુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે 14મીથી 16મી સુધીમાં 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. મંગળવારે ગુજરાતમાં સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયુ હતું. નલિયામાં પણ સીઝનનું સૌથી ઓછું તાપમાન આજે નોંધાયું હતું. ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો વડોદરામાં પણ ઠંડી વધતાં મંગળવારે સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે આ સીઝનનું સૌથી ઓછું છે. આ ઉપરાંત અમરેલીમાં 13, ભાવનગરમાં 15, ભુજમાં 12, દાહોદમાં 14, ડીસામાં 11, ગાંધીનગરમાં 14, હિમંતનગરમાં 13, રાજકોટમાં 12 અને સુરતમાં 15 ડિગ્રી અને જામનગર-દ્વારકામાં 16 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આ શહેરોમાં મહત્તમ તાપમાન 26થી29 ડિગ્રી આસાપસ રહ્યું છે. નલિયામાં ઠંડા પવન સાથે કોલ્ડવેવની વોર્નિંગ પણ અપાઈ હતી. જ્યારે અમદાવાદમાં રાતથી સવારના સમય સુધીમાં તાપમાન ઘટતાં શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા.
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આશંકા :
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતું, પરંતુ હાલમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી શકે છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં લોકેશનને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે હળવા વરસાદી ઝાપટાં પડશે. જૂનાગઢ સહિત અન્ય દરિયાકાંઠાના જિલ્લામાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે તથા લઘુત્તમ તાપમાન ઘટતાં ઠંડી અનુભવાશે.તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આશંકા વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ફૂંકાતા ઠંડા પવનોના લીધે ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી સમયમાં હજુ તાપમાન નીચું જવાની શક્યતા છે.