મોરબી જિલ્લાના નીચી માંડલ ગામ ખાતે બનાવવામાં આવેલ વાલપની વસાહતમાં સદીઓથી વગડો ખુંદતા પરિવારનો ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. વાલપની વસાહતમાં ૧૮ ગાડલિયા પરિવારોને ઘર મળ્યું છે. પોતાનું ઘરનું ઘર મેળવીને પરિવારજનોમાં અનેરો ઉત્સહ ઉમંગ જોવા મળ્યો હતો. વિચારતા સમુદાય સમર્થન મંચના ફાઉન્ડર મિત્તલ પટેલે જણાવ્યું હતું કે, કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે, અમોને સંકુચિત દૃષ્ટિ તણો ઉત્પાત ખટકે છે. શૂન્ય પાલનપુરીનો આ શેર અમારા વિચરતી જાતિના પરિવારોના કાયમી વસાવટની વાત આવ્યા ત્યારે અચૂક યાદ આવે. અનેક ગામોમાં વર્ષોથી રહેતા પરિવારોને આજેય ગ્રામજનો અપનાવવા રાજી નથી ત્યારે મોરબીના નીચીમાંડલના ગ્રામજનો, પંચાયતના સભ્યો અને સરપંચ માટે માન થાય એવી રીતે એમણે અમારા ૧૮ ગાડલિયા પરિવારોને એમના ગામમાં વસાવ્યા. રહેણાંક અર્થે સરકાર પ્લોટ ફાળવે એ માટે અમે મથ્યા.ઓળખના પુરાવા પણ અપાવ્યા. પ્લોટ ફળવાયા પછી પંડિત દિનદયાળ આવાસ યોજના અંતર્ગત ૧.૨૦ લાખની સહાય અપાવવામાં પણ નિમિત્ત બન્યા. ઘર બાંધવાનું શરૃ કરતા પહેલા ૧૮ પરિવારોને ઘર કેવા જોઈએ એ પુછ્યું ને સૌએ બંગલા જેવા ઘરની કામના કહી. નાના માણસો માટે ઘર કરવું મોટી વાત વળી પેઢીઓ રઝળતા ગઈ એટલે મજાના ઘરની કલ્પના હોવી સાહજીક. અમે બે રૃમ, રસોડુ, ટોયલેટ બાથરૂમ વાળુ ઘર બાંધવાનું નક્કી કર્યું. ખર્ચ ઘણો થાય એમ હતો. પરિવારોએ એમના ગજા પ્રમાણે ટેકો કર્યો એ સિવાયનો ટેકો વીએસએસએમ સાથે સંકળાયેલા અમારા કનુભાઈ દોશી, નવીનચંદ્ર મહેતા, રશ્મીનભાઈ સંઘવી, મયુરભાઈ નાયક- માબાપ ફાઉન્ડેશન, ભાવનાબેન મહેતા, અપર્ણ ફાઉન્ડેશન, નીતાબહેન પરીખ અને સ્વ. કલ્પેશભાઈ પરીખ, જેબી પેકેજિંગ – સુધાબહેન પટેલ- જશુબેન પટેલ, અલખ્સ ફેમિલી એ કર્યો ને ૧૮ પરિવારો વગડામાંથી વહાલપની વસાહતમાં રહેવા ગયા. ઘર વિહોણા પરિવારોને ઘર આપવાના આ કાર્યમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સહયોગ સતત મળ્યો. એ સિવાય, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, મોરબી જિલ્લા વહીવટીતંત્ર, સમાજ કલ્યાણ અધિકારી સૌએ પણ સતત સહયોગ કર્યો માટે આ કાર્ય થઈ શક્યું. સરકાર, સમાજ અને સમુદાય સાથે આવે તો કેવું રૃડુ કાર્ય થાય એ નીચી માંડલમાં જોયું. ૧૮ પરિવારોના ઘરો બંધાયા પછી એમનો ગૃહપ્રવેશ કરાવવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ ખાસ પધાર્યા. લાગણીવાળા વ્યક્તિ એમણે તુરત રસ્તા, વિજળીની સુવિધા માટે પણ સૂચના આપી. સરપંચ પ્રધ્યુમનભાઈ અને પંચાયતના સભ્યો ઘર બાંધકામ ચાલુ થયું ત્યારથી સતત હાજર રહ્યા. અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેનની મહેનત સખત. સરકારી કચેરીમાં કાગળિયા કરવાનું, ક્યાંક નાની મોટી માથાકૂટમાં પરિવારોને સાથે રાખવાનું આ બેયે દિવસ રાત જોયા વગર કર્યું. આવા નિષ્ઠાવાન કાર્યકરો સાથે હોય એટલે આવા કાર્યો પાર પડે. અમે ૧૭૫૧ ઘર બાંધ્યા. નેમ વધારે ને વધારે પરિવારોને ઝૂંપડામાંથી પાક્કા ઘરમાં લઈ જવાની. બસ સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું તો કાર્ય એટલું મુશ્કેલ પણ નહીં લાગે. પહેલા ગાડુ જ જેમનું ઘર હતું એ પરિવારો વ્હાલપની વસાહતમાં સુખી થાય એવી શુભભાવના.