સ્માર્ટ સિટીનાં હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

0
17
Ahemdabad: world's heritage city
Ahemdabad: world's heritage city

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૫
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં આવેલો હેરિટેજ સમાન ટાઉનહોલ રૂ. ૯ કરોડના ખર્ચે નવાં ક્લેવર ધારણ કરશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા થોડાં વર્ષ અગાઉ શહેરના એકમાત્ર ટાઉનહોલને સુવિધાસજ્જ બનાવાયો હતો. જૂની ઢબના ટાઉનહોલમાં ૧૧પ૦ બેઠકની સીટીંગ એરેજમેન્ટ સાથે આકર્ષક સિલિંગ, કાર્પેટ અને એરકિવન્ડશનર સાથે મોટા પાયે રિનોવેશન કરાયું હતું, પરંતુ છેલ્લાં વર્ષોમાં ઊભી થયેલી જરૂરિયાતો અને ઊણપો વિશે હાથ ધરાયેલી નાગરિકો અને મ્યુનિસિપલ કાઉન્સિલરોની રજૂઆત બાદ ટાઉનહોલને અદ્યતન બનાવવાનો નિર્ણય લેવાયો છે.
દિવસની ત્રણેય શિફ્ટથી ભરપૂર રહેતા ટાઉનહોલનું ઇન્ટિરિયર હવે ઊધઈના હવાલે છે. લાઈટનાં બોક્સમાં ઊધઈ આવી જતાં લાઈટ માટેની પ્લેટો અને બોક્સ લબડી પડ્યાં છે. ખુરશીની હાલત પણ ખરાબ બની છે. ટાઉનહોલના પાર્કિંગમાં અત્યારે ઠેર ઠેર ગાબડાં પડ્યાં છે. વોશરૂમ પણ હવે કાયાપલટ કરવા જેવા બન્યા છે એટલું જ નહીં, ટાઉનહોલનું બહારનું ક્લેવર પણ ખરાબ થયું છે. દીવાલ પર ક્યાંક વૃક્ષ ઊગી નીકળેલાં દેખાઈ રહ્યાં છે એ હવે ઐતિહાસિક ટાઉનહોલ રિનોવેશન ઝંખે છે.
આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગનાં સંબંધિત સૂત્રોએ જણાવ્યું હતું કે ટાઉનહોલને રિનોવેટ કરવા અંગેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. રિનોવેશનની કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન તૈયાર થઈ રહ્યું છે, જે થોડા સમયમાં ફાઇનલ કરાયા બાદ આગળની વહીવટી કામગીરી હાથ ધરવામાં આવશે.