(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૯
ઉનાળુ વેકેશન શરૂ થઇ ગયું છે ત્યારે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી તો દૂર પણ સેકન્ડ સ્લીપર ક્લાસમાં ઊંચાં વેઇટિંગ લિસ્ટ જાઇને ચક્કર આવી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. ગરમીમાં લોકો ઠંડા પ્રદેશોમાં ફરવા જઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ કુલુ મનાલી, શિમલા જતી ટ્રેનોનું વેઈટિંગ લિસ્ટ ઊંચું છે. તો ગોવા જવા પણ પ્રવાસીઓનો સારો ધસારો છે. પ્રવાસનની સાથે નાથદ્વારા, ઋષિકેશ જેવાં ધાર્મિક સ્થળોએ જતી ટ્રેનોમાં પણ સારી એવી ભીડ છે.
ખાસ કરીને ઉત્તર ભારત તરફ ફરવા માટે યાત્રિકોનો ધસારો વધુ હોય તે રૂટની મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ ૫૦થી ૩૦૦ સુધી પહોંચ્યુ છે. જૂન માસના પહેલા અઠવાડિયા સુધી તમામ લાંબા રૂટની ટ્રેનો પેક હોવાનું રેલવેના અધિકારીએ જણાવ્યું છે
અમદાવાદથી પટણા, દિલ્હી, વારાણસી, ગોરખપુર, આસનસોલ, હરિદ્વાર, ગુવાહાટી, હાવડા, લખનૌ, સંતરાગાછી, સુલતાનપુર, હઝરત નિઝામુદ્દીન, અજમેર, બિકાનેર, આગ્રા, ગ્વાલિયર, દરભંગા સહિતના સ્ટેશનો પર જતી ટ્રેનો મુસાફરોથી ખીચોખીચ થઇ ગઇ છે. અમદાવાદ-આસનસોલ ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ ૪૦૧ પર પહોંચી ગયું છે.