સૌરાષ્ટ્ર ઘણા પંથકમાં મેઘો મહેરબાન, ખેડૂત ખુશખુશાલ

0
74

સૌરાષ્ટ્રનાં ડેમોમાં નવા નીરની આવક થતાં કેટલાક ડેમો છલકાયા : ભારે વરસાદને લઈ આજી-૨ ડેમ ઓવરફ્‌લો
અમદાવાદ, તા.૩
સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતના પંથકોમાં મેઘરાજાની મહેરબાની વરસી રહી છે અને વરસાદી માહોલને લઇ ચોમાસાની જારદાર જમાવટ છે. સતત વરસાદના કારણે સૌરાષ્ટ્રનાં મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. કેટલાક પંથકોમાં તો, ભારે વરસાદનાં પગલે કેટલાક ડેમો ઓવરફ્‌લો પણ થઈ ગયા છે. બીજીબાજુ, રાજકોટમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદને લઈને આજે કમિશનર બંછાનિધિ પાનીએ શહેરના અલગ અલગ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. રાજકોટ શહેરના ત્રણેય ઝોનના તમામ વિસ્તારોમાં રસ્તાનાં મેટલ મોરમ પેચ વર્ક, ડ્રેનેજ મેનહોલ ડીશિલ્ટીંગ, મોરબી રોડ પર તૂટેલી ડી.આઈ.પાઈપલાઈન રીપેરિંગ, કોઠારિયા વિસ્તારમાં પાણી નિકાલ અને મોરમ પાથરવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. રાકોટ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ શહેરના લલુડી વોંકળી, પોપટપરા, વેસ્ટ ઝોનમાં વામ્બે આવાસ યોજના, બી.આર.ટી.એસ., ૧૫૦ ફૂટ રિંગ રોડ સહિતના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, લલુડી વોંકળી વિસ્તારમાં ૮૦ ફૂટ રોડ પરથી વરસાદી પાણી આવે છે. જે ધોબી ચોક થઈને લલુડી વોંકળી વિસ્તારમાં આવે છે. ત્યાં ટીપી રોડ છે અને વરસાદી પાણીના નિકાલ માટે જગ્યા મળે તો આર.સી.સી.ની પાકી ચેનલ બનાવવા અન્યથા ટીપી સ્કીમ વેરિએશન માટે કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે. સાથે જ આ એરીયામાં જે.સી.બી.ની મદદ સાથે સત્વરે સફાઈ કામગીરી શરૂ કરાવા, પોપટપરા નાલામાં ભરાતા પાણીના નિકાલ માટે સાઈડમાં એસ્કેવેશન-જરૂરી ખોદકામની કામગીરી શરૂ કરવા સૂચના આપી છે. ભાદર ડેમની ઊંડાઈ ૩૪ ફૂટ છે. જેમાં હાલની સપાટી ૧૫ ફૂટ પહોંચી ગઈ છે. આજી-૧ ડેમની સપાટી ૨૯ ફૂટ છે. જેમાં હાલની સપાટી ૧૭.૫૦ ફૂટ પહોંચી ગઈ છે. આજી-૨ ડેમની સપાટી ૩૦.૧૦ ફૂટની છે, જેમાં હાલની સપાટી ૨૮.૧૦ ફૂટ પહોંચી ગઈ છે. ન્યારી-૧ ડેમની સપાટી ૨૫.૧૦ ફૂટ છે, જેમાં હાલની સપાટી ૧૪.૮૦ ફૂટ પહોંચી ગઈ છે. ન્યારી-૨ ડેમની સપાટી ૨૦.૭૦ ફૂટ છે, જેમાં હાલની સપાટી ૧૯.૭૦ ફૂટ પહોંચી ગઈ છે. ભારે વરસાદને લઈને આજી-૨ ડેમ ઓવરફ્‌લો થયો હતો. પરંતુ આગામી દિવસોમાં વરસાદનાં પગલે ડેમનું પાણી બહાર ન જાય એ માટે ગઈકાલે ૫ દરવાજા ખોલી ૨ ફૂટ પાણી છોડવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાનાં જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદની અસરથી શેત્રુંજી ડેમની સપાટી ૧૬ ફૂટને આંબી ગઈ હતી. શેત્રુંજી ઉપરાંત જસપરા માંડવા અને ઉતાવળી ગુંદા ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે. પાણીની આવકને લીધે શેત્રુંજી ડેમની સપાટી ગઈકાલે ૧૩.૯ ફૂટ હતી તે વધીને ૧૬ ફૂટે પહોંચી ગઈ છે.