વડોદરા : બે કલાકમાં અઢી ઇંચ વરસાદથી લોકો ફફડી ઉઠયા

0
31

વિશ્વામિત્રી નદી હજુ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે : ફરી વડોદરાના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા

અમદાવાદ, તા.૩
વડોદરા શહેરમાં આજે બપોર બાદ ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આજે ફરી એકવાર વડોદરામાં માત્ર બે કલાકમાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકતાં વડોદરાવાસીઓમાં ફરી એકવાર ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. તાજેતરમાં જ વડોદરામાં ૨૧ ઇંચ વરસાદે ભયંકર તબાહી અને તારાજી સર્જી હતી ત્યારે આજે ત્રાટકેલા વરસાદને પગલે જેને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં નજીવો વધારો જાવા મળ્યો હતો. વિશ્વામિત્રી નદીની સપાટી બપોરે ૧૨ વાગ્યે ૨૮ ફૂટ નોંધાઇ હતી. જે વધીને હાલ ૨૮.૨૫ ફૂટ ઉપર પહોંચી હતી જયારે આજવા ડેમની સપાટી હાલ ૨૧૧.૭૫ ફૂટ થઇ હતી. બપોર બાદ શરૂ થયેલા વરસાદને કારણે રાવપુરા, કારેલીબાગ, ફતેગંજ, અલકાપુરી, માંડવી, માંજલપુર સહિતના વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી પાણી ભરાયા ગયા હતા. જેને પગલે વડોદરાવાસીઓની મુશ્કેલી ફરી એકવાર વધી હતી. બીજીબાજુ, વડોદરામાં આગામી ૩૬ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં તંત્ર ફરી એકવાર દોડતું થઇ ગયુ છે, તો બીજીબાજુ, લોકોને પણ અત્યારથી સાવચેત અને સાવધ રહેવાની તાકીદ કરાઇ છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદ નહી પડતાં વડોદરામાં પાણી ઓસરતાં લોકોને હવે સૂર્યનારાયણ દેવ નીકળે તો, તડકા વચ્ચે પાણી અને ભેજ સૂકાય તેવી આશા હતી પરંતુ વડોદરામાં આભ ફાટયા બાદ સર્જાયેલી તબાહી અને તારાજી વચ્ચે આજે બજારો, દુકાનો અને સામાન્ય જનજીવન ફરી એકવાર ધબકતુ થયુ હતું. વડોદરાના ૯૫ ટકાથી વધુ માર્ગો પણ પાણી ઓસરતાં ખુલી ગયા હતા પરંતુ આજે બપોરે અચાકન ફરી એકવાર વડોદરામાં મેઘરાજાએ પધરામણી કરી હતી અને માત્ર બે જ કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતાં વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી પાણી ફરી વળ્યા હતા. વિશ્વામિત્રી કાંઠાના વડસર, મુજમહુડા, તલસટ, કલાલી, સમા, પ્રિયંકાનગરમાં પાણી હજુ પણ ભરાયેલા જ છે. આ ઉપરાંત અણખોલ, સિંકદરપુરા, ઘાંઘરેટિયા અને દરજીપુરા સહિતના હાઇવે પરના ગામોમાં હજુ પણ ભરાયેલા છે. આવા સમયે ફરીથી વરસાદ શરૂ થતાં લોકો ચિંતામાં મૂકાઇ ગયા હતા. વડોદરા શહેરના કાંઠા વિસ્તારમાં વડોદરા પોલીસ દ્વારા આજે સવારથી જ ફૂડ પેકેટ, બિસ્કીટ, દૂધ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બુધવારે ૨૧ ઇંચ વરસાદ ખાબક્યા બાદ ગુરૂવારે અને શુક્રવારે પણ ધીમીધાર વરસાદ વરસ્યો હતો. પરંતુ આજે વડોદરા શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને બે કલાકમાં જ અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી ભરાઇ ગયા હતા.