ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરી કહ્યું- હું હવે ઘણો થાકી ગયો છું
નવી દિલ્હી:
દક્ષિણ આફ્રિકાના ટોચના બેટ્સમેન એબી ડિ વિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી એકાએક સંન્યાસ લઈ લીધો છે. બુધવારે ડિ વિલિયર્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, ‘આજે મે એક મોટો નિર્ણય કર્યો છે.’ આ સાથે જ તેમણે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાના સંન્યાસની જાહેરાત પણ કરી હતી.
ક્રિકેટના ચાહકો માટે આ ચોંકાવનારી વાત છે. 34 વર્ષીય ડિ વિલિયર્ય વિશ્વના ટોચના ફિટ ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે અને તેણે ઓચિંતા ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.
પોતાના 14 વર્ષના ઈન્ટરનેશનલ કેરિયરમાં ડિવિલયર્સે 114 ટેસ્ટ મેચમાં 22 સદી સહિત 50.66ની એવરેજથી 8,765 રન ફટકાર્યા હતા. 220 વનડેમાં તેણે 53.5ની સરેરાશથી 9,577 રન કર્યા હતા. ઈન્ટરનેશનલ T20માં પણ તેનો પ્રભાવ યથાવત્ રહ્યો છે. 78 T20 મેચમાં 10 અડધી સદી સાથે કુલ 1,672 રન ડીવિલિયર્સે બનાવ્યા છે.
હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ટીમમાંથી તે રમે છે. ચાલુ સીઝનમાં આરસીબી પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ છે.
2019ના વર્લ્ડ કપ પૂર્વે ડિ વિલિયર્સે અચાનક સંન્યાસ લઈ લેતા સાઉથ આફ્રિકાના વર્લ્ડ કપ મિશનને મોટો ફટકો પડ્યો છે. આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપમાં તે દક્ષિણ આફ્રિકાની ટીમની મહત્વની રણનીતિનો હિસ્સો હોવાનું જણાઈ રહ્યું હતું.
પોતાના વીડિયોમાં ડિ વિલિયર્સે જણાવ્યું કે, ‘મારી ઈનિંગ્સ પૂરી થઈ, ઈમાનદારીથી કહું તો, હું ઘણો જ થાકી ગયો છું. આ મુશ્કેલ નિર્ણય હતો, મે આ અંગે લાંબા સમય સુધી વિચાર કર્યો અને હવે હું નિવૃતિ લેવા માંગુ છું, હજી ઘણું ઉમદા ક્રિકેટ રમી શકુ છું તેમ છતા હું રિટાયરમેન્ટ લઈ રહ્યો છું.’
ડિ વિલિયર્સે વધુમાં કહ્યું કે, ‘હાલમાં જ અમે ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ જીતી અને હવે એવો અહેસાસ થઈ રહ્યો છે કે ક્રિકેટ છોડવાનો આ યોગ્ય સમય છે.’ વિશ્વભરમાં 360 ડિગ્રી બેટિંગ કરવા માટે જાણીતા ડિવિલિયર્સે 30 માર્ચ 2018ના છેલ્લે ઈન્ટરનેશલ ક્રિકેટ મેચ રમી હતી. જ્હોનિસબર્ગમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં તેણે (69+6) કુલ 75 રન ફટકાર્યા હતા.