અમરેલીના બાબરામાં એસટી ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટએટેક

0
6

અમદાવાદ, તા.૭
અમરેલી જિલ્લાના બાબરા ખાતે એસટી ડેપો નજીક ચાલુ એસટી બસ દરમ્યાન જ બસના ડ્રાઇવરને હાર્ટ એટેક આવતાં એસટી અને માર્ગ પરથી પસાર થઇ રહેલી બાઇક હડફેટે આવી હતી. એસટી બસના ડ્રાઇવરને અચાનક આવેલા હાર્ટ એટેકને પગલે સર્જાયેલા આ વિચિત્ર અકસ્માતમાં બાઇક પર જઇ રહેલા કોલેજીયન યુવકનું કરૂણ મોત નીપજયુ હતુ અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલી જિલ્લાના બાબરા એસટી ડેપો નજીક રાજકોટ અમરેલી રૂટની એસટી બસ અમરેલી તરફ આવી રહી હતી ત્યારે એસટી બસના ડ્રાઈવરને હ્રદયરોગનો હુમલો આવતા એસટી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કોલેજીયન યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ વિચિત્ર અકસ્માતને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી પરંતુ બીજીબાજુ, ડ્રાઇવરના હાર્ટએટેક અને કોલેજીયન યુવકના મોતના સમાચાર જાણી સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી પણ પ્રસરી ગઇ હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.