ઉન્નાવ રેપ : આરોપી કુલદીપ સેંગર પર અંતે પોક્સો લાગુ

0
9

નવી દિલ્હી, તા. ૯
ઉન્નાવ ગેંગરેપના મુખ્ય આરોપી કુલદીપસિંહ સેંગર પર હવે જાતિય ગુનાઓથી બાળકોનું રક્ષણ (પોક્સો એક્ટ) હેઠળ પણ કેસ ચાલશે. દિલ્હીની તીસહજારી કોર્ટમાં સેંગર વિરુદ્ધ પોક્સો એક્ટની બે કલમો હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા હતા. કોર્ટે સેંગરના સહયોગી શશીસિંહ પર સગીરાના અપહરણના મામલામાં પણ આરોપ લગાવવામાં આવ્યા છે. ઉન્નાવ રેપ મામલે દિલ્હીની તીસ હજારી કોર્ટે વિધાયક કુલદીપસિંહ સેંગર વિરુદ્ધ રેપ, પોક્સો, અપહરણની કલમો હેઠળ આરોપ ઘડ્‌યા છે. આ અગાઉ કોર્ટ તરફથી બહાર પડાયેલા પ્રોડક્શન વોરંટ બાદ કુલદીપસિંહ સેંગરને દિલ્હીની તીસહજારી કોર્ટમાં રજુ કરાયો હતો. ત્યારબાદ કોર્ટે સેંગરને તિહાડ જેલ મોકલી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પાંચ કેસમાંથી રોડ એક્સિડન્ટના કેસને બાદ કરતા બાકીના ચાર કેસને તીસ હજારી કોર્ટમાં ટ્રાન્સફર કર્યા હતાં. આ ૫ કેસ જિલ્લા જજ ધર્મેશ શર્માની કોર્ટમાં ટ્રાન્સફર કરાયા છે. તીસ હજારી કોર્ટે ૪૫ દિવસમાં ટ્રાયલ પૂરી કરવાની છે. આ મામલે ડે ટુ ડે હિયરિંગ થવાની છે. આ ઉપરાંત પીડિતાને એમ્સમાં દાખલ કરવાને લઈને પણ પરિવારનો મત માંગવામાં આવ્યો છે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને નિર્દેશ આપ્યો હતો કે પીડિત પરિવારને ૨૫ લાખ રૂપિયા વળતર આપે. કોર્ટે પીડિત પરિવારને સીઆરપીએફ સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે હત્યાના પ્રયત્ન મામલે રાયબરેલી જેલમાં બંધ પીડિત યુવતીના કાકાને તિહાડ જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. કેન્દ્ર સરકારે કોર્ટેને જણાવ્યું હતું કે સીઆરપીએફએ પીડિત છોકરીના પરિવારને સુરક્ષા આપવાની જવાબદારી લીધેલી છે. યુપી સરકારે જણાવ્યું હતું કે પીડિતને ૨૫ લાખનું વળતર અપાયેલું છે. કોર્ટે મીડિયાને પણ સૂચિત કર્યું હતું કે ઉન્નાવ કેસનું રિર્પોટિંગ કરતી વખતે કોઈ પણ રીતે પીડિતાની ઓળખ ઉજાગર ન થાય.