ગુજરાત : ભારે વરસાદ થતાં ૧૫૪થી વધુ માર્ગો બંધ કરાયા

0
44

હજુ ત્રણ દિન ભારે વરસાદની આગાહી : રાજ્યના ૨૧૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, છોટાઉદેપુરમાં ૧૫ ઇંચ

અમદાવાદ, તા.૯
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજયમાં વરસાદનો બીજા રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સૌથી વધુ છોટાઉદેપુરમાં ૨૪ કલાકમાં ૧૫ ઈંચ વરસાદ ખાબકયો છે. વહેલી સવારથી જ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતીની આગાહીને ધ્યાને લઇને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે. તમામ જિલ્લાઓને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યા મુજબ, હજુ ત્રણ ત્રણ દિવસ સુધી રાજયભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં રેસ્કયુ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા માટે એનડીઆરએફની ૧૮ ટીમો અને એસડીઆરએફની ૧૧ ટીમો તહેનાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની ૭ ટીમ, સૌરાષ્ટ્રમાં ૫ ટીમ, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટીમો કાર્યરત છે. રાજ્યમાં વરસી રહેલા ભારેથી અતિ ભારે વરસાદને પરિણામે મોટાભાગના પંથકો અને વિસ્તારોના કોઝવેમાં પાણી ભરાયા છે અને રાજયના ૧૫૪ થી વધુ રસ્તાઓ બંધ છે. જેમાં તાપી જિલ્લાના ૩૯, છોટાઉદેપુરમાં ૩૧ રસ્તાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત ૧૬ થી વધુ ગામોને વીજળીની અસર થઇ હતી. આજે સવાર સુધીમાં ૨૧૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. જેમાં છોટાઉદેપુર તાલુકામાં ૩૩૬ મિમી, કવાંટમાં ૨૮૨ મિમી, કુકરમુંડામાં ૨૦૭ મિમી વરસાદ થયો છે. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૬.૪૦ ટકા થયો હતો. રાજ્યના ૧૩ જળાશયો પણ છલકાયા હતા. સરદાર સરોવરમાં ૭૫.૯૯ ટકા જળસંગ્રહ થયો હતો. રાજ્યમાં ભારે વરસાદ પડે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓ સાથે સતત સંપર્ક કરીને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સંભવિત અસરગ્રસ્ત તમામ વિસ્તારો માટે તંત્ર દ્વારા રાહત અને બચાવ ટીમો સ્ટેન્ડ ટુ રખાઇ છે.