ફરીથી પૂરનો ભય : વિશ્વામિત્રી નદી ૧૮ ફૂટે પહોંચતા એલર્ટ

0
115

પૂર સ્થિતિના લીધે કલેક્ટરે લોકોને સાવચેત રહેવા અપીલ કરી : આજવા ડેમ ઓવરફ્લો : વિશ્વામિત્રીની સપાટી વધી

અમદાવાદ, તા.૯
ઉપરવાસમાં વરસાદને પગલે આજવા ડેમની સપાટી હાલ ૨૧૨.૩૫ ફૂટ ઉપર પહોંચી છે. જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને ૧૮ ફૂટ થઇ છે. જેથી સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટરે આજે વડોદરા શહેરની શાળા-કોલેજોમાંથી વિદ્યાર્થીઓને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. વડોદરા અને તેની આસપાસના પંથકોમાં વરસાદી પૂરના કારણે ફરી કટોકટી કે અન્ય કોઇ ગંભીર પરિÂસ્થતિ ના સર્જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. કરનાળીના કુબેર ઘાટના ૯૦ પગથિયા નદીમાં પાણીની જળસપાટી વધતાં તે ડૂબ્યા હતા. વડોદરા શહેરને પાણી પુરૂ પાડતા આજવા ડેમની સપાટી વધવાને પગલે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત વડોદરા શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેને પગલે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠાના વિસ્તારો સહિત તમામ નાગરિકોને સાવચેત રહેવા માટે વડોદરા જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી અને તકેદારીના જરૂરી પગલાં લેવા, જરૂર જણાય તો ઊંચાઇવાળા સલામત સ્થળે ખસવાની પણ સૂચના આપી હતી. વડોદરા શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ ગઇ છે. વિશ્વામિત્રીમાં સર્જાયેલી પૂરની સ્થિતીને પગલે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા સોસાયટીના રહીશોએ સાવચેતીના ભાગરૂપે ઘરનો સામાન સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. અને સંભવતઃ પૂરની સ્થિતિ વકરે તેવી શક્યતાઓને ધ્યાનમાં લઇને નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોના વેપારીઓ પણ એલર્ટ થઇ ગયા છે અને સંભવત પૂરની સ્થિતિને પગલે શહેરીજનો ચિંતાતૂર બની ગયા છે. વિશ્વામિત્રીમાં વધી રહેલી સપાટીને પગલે તંત્ર ચિંતામાં મુકાયું છે અને એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ, વીજ કંપનીને એલર્ટ કરી દેવાયા છે. વિશ્વામિત્રી નદીમાં ઝડપભેર વધી રહેલી સપાટી અને શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં સાઇરન વગાડી એલર્ટ કરાયા હતા. બીજીબાજુ, છેલ્લા ૧૦ દિવસમાં વિશ્વામિત્રી નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતી સંભવતઃ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી દહેશતને પગલે શહેરીજનોએ જીવન જરૂરી દૂધ, શાકભાજીનો સ્ટોક કરવાની શરૂઆત કરી છે. સાવલી તાલુકામાં ભારે વરસાદ ખાબકતાં મંજુસર જીઆઇડીસીમાં કેડ સમા પાણી ભરાયા હતા. કર્મચારીઓને કંપનીમાં જ રોકાવું પડે તેવી સ્થિતી થઇ હતી. વડોદરા શહેરમાં ૫૧ મિ.મી., કરજણ ૩૦ મિ.મી., ડભોઇ ૮૨ મિ.મી., ડેસર ૩૮ મિ.મી., પાદરા ૦૭ મિ.મી., વાઘોડિયા ૪૫ મિ.મી., સાવલી ૪૨ મિ.મી. અને શિનોર ૧૮ મિ.મી. વરસાદ વરસ્યો હતો.