વડોદરા ૩.૫ ફુટ સુધીના મગરો દેખાતા લોકોમાં ભય

0
6

અમદાવાદ
વડોદરામાં પૂરના આટલા દિવસો બાદ પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ મગરો પકડાવાનો સિલસિલો જારી રહ્યો છે. જેના કારણે લોકોમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. વડોદરા શહેરના વડસરમાંથી પ્રાણીન ફાઉન્ડેશન અગ્નિ વીર સંસ્થા દ્વારા ગઇ મોડી રાત્રે બે વાગ્યે ૩.૫ ફૂટનો મગર રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લાઇફ વીથ વાઇલ્ડ લાઇફ સંસ્થા દ્વારા જાંબુવા બ્રિજ પાસેથી ૩ ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો. રાત્રિના સમયે મગરો પકડાતાં સ્થાનિક લોકોમાં પણ સહેજ ગભરાહટની લાગણી ફેલાઇ ગઇ હતી. વડોદરાના કેટલાક વિસ્તારોમાંથી હજુ પણ મગરો પકડાવાનો અને મગરો દેખાવાનો સિલસિલો જારી રહેતા અને આ અંગે લોકોની ફરિયાદો મળતાં તંત્ર પણ એલર્ટ થઇ ગયુ હતું. વડોદરાના વડસરમાં ગત રાત્રે અચાનક જ મગર આવી ચડ્‌યો હતો. જેથી ગામ લોકોએ તુરંત પ્રાણીન ફાઉન્ડેશન અગ્નિ વીર સંસ્થાને જાણ કરી હતી. જેથી સંસ્થાના નેહા પટેલ અને માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ ૩.૫ ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો. બીજી બાજુ જાંબુવા બ્રિજ પાસે પણ મગર દેખાયો હતો. જેથી લાઇફ વીથ વાઇલ્ડ લાઇફ સંસ્થાના મયુર મોર ટીમ સાથે પહોંચ્યા હતા અને ૩ ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો. પોલીસે નાગરિકોને અપીલ કરી હતી કે, આ પ્રકારે કોઇ મગર દેખાય તો પબ્લીકે જાતે કંઇ કર્યા વગર આ સંસ્થાઓને કે વનવિભાગ અથવા તંત્રને જાણ કરવી કે જેથી તેને રેસ્કયુ કરી યોગ્ય રીતે ફરિયાદનું નિવારણ કરી શકાય.