દિલ્હીમાં પણ એલર્ટ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુપ્તચર સૂત્રોના અનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યમાં સુરક્ષા દળો પર આતંકવાદી હુમલા થઈ શકે છે. રિપોર્ટ મુજબ, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માંથી લગભગ 20 આતંકવાદી ઘૂસણખોરી કરી ચૂક્યા છે. આ અહેવાલ બાદ રાજધાની દિલ્હીમાં પણ એલર્ટ આપી દેવાયું છે.સુરક્ષા એજન્સીઝે ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે, આતંકવાદીઓ કોઈ મોટો હુમલો કરી શકે છે. આગામી બે-ત્રણ દિવસમાં આર્મી કે અન્ય સ્થળો પર ફિદાયીન હુમલા થવાની આશંકા છે. આ સિવાય સુરક્ષા દળોએ પણ એવી આશંકા વ્યક્ત કરી છે કે, આ હુમલો હિટ એન્ડ રન ટાઇપ હોઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, રમજાનના મહિનામાં ભારત સરકાર તરફથી કૂણા વલણની જાહેરાત બાદ આતંકવાદી પ્રવૃત્તિઓ વધતી જઈ રહી છે. બુધવારે આર્મીની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કરનારા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ઘૂસણખોરી કરનારા મોટા ભાગના આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હોવાનું કહેવાય છે.સુંજવાન અને પઠાણકોટ હુમલામાંથી સબક લઈ આર્મીએ આ વખતે કોઈ ચૂક ન થાય તેનું ધ્યાન રાખવાનો નિર્ણય લીધો છે અને તમામ પેટ્રોલિંગ પાર્ટીઓ અને ચોકીઓની સાથે સાથે આર્મીની મોટી મોટી છાવણીઓને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોઈ આતંકવાદી હુમલો કરીને નાસી જવાની અથવા તો આત્મઘાતી હુમલો કરવાની કોશિશ થઈ શકે છેપુલવામાથી ઈદગાહ જતી વખતે આતંકવાદીઓએ સીઆરપીએફની 183 બટાલિયનના બંકર વ્હિકલ પર ગોળીબાર કર્યો હતો. જોકે તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાના તુરંત બાદ સીઆરપીએફે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ત્રણ બેગ મળી આવી હતી. એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે, આ બેગ્સમાં મળેલી વસ્તુઓ આઈઈડી સંબંધિત હોઈ શકે છે.