ડીકે શિવકુમારના સમર્થકોએ બેંગ્લોરમાં રસ્તા પર ચક્કાજામ કર્યો

0
40

બેંગ્લોર : કોંગ્રેસના નેતા ડી.કે.શિવકુમારની ધરપકડના વિરોધમાં વોક્કાલિંગા સમુદાયના હજારો લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કુમાર પ્રત્યે પોતાની ભાવના વ્યક્ત કરી હતી.કુમારની ધરપકડે જાતીવાદનો રંગ પકડયો હતો.સમાજના વિવિધ સંગઠનો દ્વારા ‘ચાલો રાજ ભવન’ની કરવામાં આવેલી હાકલના જવાબમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી અને ખાસ તો જુના મૈસુર રાજ્યના વોક્કાલિંગાઓના મજબૂત ગઢમાં મોટી સંખ્યામાં તેઓ આવી બેંગલુરૂ પહોંચ્યા હતા.કર્ણાટકના રાજકારણમાં વોક્કાલિંગા અને લિંગાયત સમુદાયનું વર્ચસ્વ વધારે છે.મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ કર્ણાટકના કોંગ્રેસના વગદાર નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી ડી.કે. શિવકુમારની ત્રીજી સપ્ટેમ્બરે ઇડીએ ધરપકડ કરી હતી.તે દિવસથી તેઓ ઇડીની કસ્ટડીમાં છે.

નેશનલ કોલેજના મેદાનથી ફ્રીડમ પાર્ક અને ત્યાંથી રાજભવન સુધીની વિરોધ કુચમાં કોંગ્રેસ અને જદએસના અનેક નેતાઓનો સાથ મળ્યો હતો.રેલીમાં જોડોલા લોકોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમના હાથમાં શિવકુમારના ફોટા સાથેના બેનર હતા.કાયદો અને વ્યવસ્થા જળવાય એટલા માટે હજારો પોલીસને ખડકી દેવામાં આવ્યા હતા. જંગી મેદની ઉમટી પડશે તેવી ધારણાથી જ પોલીસે વાહનોને અન્યત્ર વાળ્યા હતા, પરિણામે વાહનોની લાંબી લાઇનો લાગી હતી.પૂર્વ મંત્રી સામે ચાલી રહેલા તપાસના સંદર્ભમાં ઇડીએ શિવકુમારની પુત્રી ઐશ્વર્યાના પણ સમન્સ મોકલ્યો હતો. તેને ૧૨ સપ્ટેમ્બરે ઇડી સમક્ષ હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. એવું મનાય છે કે એશ્વર્યાનું નિવેદન મની લોંડરિગ એક્ટ હેઠળ નોંધાશે. ઉપરાંત મની લોન્ડરિંગના આરોપોસર ૨૦૧૭માં શિવ કુમારની સિંગાપોરની મુલાકાત સહિત અન્ય પાસાઓ અંગે સવાલો પુછાશે.ઇડીએ ગયા વર્ષે શિવ કુમાર અને દિલ્હીના કર્ણાટક ભવનના એક કર્મચારી હનુમથૈયા સામે મની લોન્ડિંરિંગના કેસ કર્યો હતો.કર ચોરી અને હવાલા વ્યવહારના આરોપોસર બેંગલુરૂમાં ગયા વર્ષે તેમનની સામે આવક વેરા વિભાગે કરેલી કેસના આધારે ઇડીએ પણ અપરાધિક કેસ કર્યો હતો.ભાજપ પર બદલાના રાજકારણનો આક્ષેપ કરીને શિવ કુમારે મંગળવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ રાજકીય અને કાયદાકીય રીતે પણ વિજયી બનશે. તેમણે કોંગ્રેસના કાર્યકરો અને તેમના સમર્થકોનો આભાર માન્યો હતો અને તેમને શાંત દેખાવ કરવા કહ્યું હતું.