કોરોનાના કેસમાં ઘટાડો થતા ફરી એકવાર આજથી ધોરણ 1થી 8નું પ્રાથમિક શિક્ષણ અને ધોરણ 9માં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે. જોકે, શાળાઓ તો શરૂ થઈ પરંતુ વિધાર્થીઓની પાંખી હાજરી ક્યાંકને ક્યાંક ઉડીને આંખે વળગી રહી છે. કેસ ઘટી રહ્યા છે છતાં શાળા શરૂ થયાના પહેલા દિવસે વિધાર્થીઓની માત્ર 20 ટકા જ હાજરી જોવા મળી છે. જે માટે કેટલાક કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. કોરોના કાળમાં સૌથી વધુ જો અસર થઈ હોય તો તે શિક્ષણ ક્ષેત્રને છે. ખાસ કરીને પ્રાયમરી એજ્યુકેશન સૌથી વધુ અસર જોવા મળી છે. કોરોનાની ત્રીજી લહેર બાદ એક મહિનો શાળાઓ બંધ રહી. ફરી કેસ ઘટતા શાળાઓ શરૂ થઈ પણ વિધાર્થીઓની હાજરી માત્ર 20 ટકા જોવા મળી છે. આ મામલે રાણીપની નિશાન સ્કૂલના પ્રિન્સીપાલ જણાવે છે કે, આ માટે કેટલાક કારણો જવાબદાર છે. એક તો એ છે કે, સરકાર દ્વારા શનિવારે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ અંગેની જાહેરાત કરવામાં આવી જેના કારણે વિધાર્થીઓ સુધી હજુ સૂચનાઓ પહોંચી નથી.તેમણે વધુમાંજણાવ્યું કે, બીજું કારણ એ કે આ પહેલો દિવસ છે એટલે પહેલા દિવસે સ્વાભાવિક રીતે વિધાર્થીઓ ઓછા હાજર રહેવાના. ત્રીજું એક કારણ એ પણ છે કે, હજુ નાના બાળકોનું વેકસીનેશન થયું નથી એટલે વાલીઓમાં પણ ચિંતા જરૂરથી છે. આ ઉપરાંત કારણો જોવા જઈએ તો સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. જેથી વાલીઓ વેઇટ એન્ડ વોચ કન્ડિશનમાં છે કે ,હજુ થોડા દિવસમાં શાળામાં વિધાર્થીઓની સંખ્યા વધે ઓછી બાળકને શાળાએ મોકલીશુ. તેમજ હાલમાં લગ્નસરાની મૌસમ પણ ચાલી રહી છે એટલે તેના કારણે પણ શાળામાં બાળકોની હાજરી ઓછી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, કોરોનાની બીજી લહેર બાદ પણ શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યામાં 35થી 40 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે ત્રીજીલહેર બાદ હવે શાળાઓ શરૂ થઈ છે પણ વિધાર્થીઓને હજુ રૂટિન લાઈફમાં આવતા હજુ થોડો સમય લાગશે. જોકે સંચાલકોનું માનવું છે કે, 10-15 દિવસ બાદ વિધાર્થીઓની હાજરી વધારો દેખાશે.
અમદાવાદ: શાળાઓ શરૂ પણ વિધાર્થીઓની હાજરી માત્ર 20%, આ હોય શકે છે પાંખી હાજરીના મુખ્ય ત્રણ કારણ
Date: