તાલિબાન શાસન વચ્ચે અફઘાનિસ્તાનમાં ભારતીયોની એરલિફ્ટ ચાલુ છે. સમાચાર એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા અનુસાર, કાબુલ એરપોર્ટ પરથી 85 ભારતીયોને લઈને એરફોર્સના C-130J વિમાને આજે સવારે લગભગ 10.30 વાગ્યે ઉડાન ભરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, વધુ 200 લોકોને લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. એરફોર્સના C-17 વિમાનને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યુ છે.અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે કાબુલ એરપોર્ટ પર અફરાતફરી સર્જાયેલી છે. તમામ દેશો પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવામાં વ્યસ્ત છે, તેથી અફઘાનો પણ તાલિબાનના ડરને કારણે દેશ છોડવા માગે છે. મીડિયા અહેવાલો અનુસાર, 85 ભારતીયોને લઈને એરફોર્સના વિમાને કાબુલથી ઉડાન ભરી છે. તેઓ 3 કલાકમાં ભારત પહોંચે તેવી આશા છે.કાબુલમાં ફસાયેલા લોકો તાલિબાનથી એટલા ભયભીત થઈ ગયા છે કે રસ્તા પર કોઈ કાર જોતાં જ તેઓ પોતાના ઘરમાં બાથરૂમમાં પુરાઈ જાય છે. તેઓ ઘરોની લાઈટ અને મોબાઈલ ફોન બંધ કરીને પોતે બાથરૂમમાં પુરાઈ જાય છે. બાળકોનો અવાજ ન સાંભળાય એટલા માટે તેઓ પોતાના બાળકના મોં પર કપડું બાંધી દે છે.ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, કાબુલમાં ફસાયેલા પરિવારના સંબંધીએ આ સ્થિતિ જણાવી છે. આ પરિવારના બે સભ્યોની ગત વર્ષોમાં તાલિબાનોએ હત્યા કરી હતી. આવી સ્થિતિમાં તાલિબાનોનો અવાજ સાંભળતાં જ આખો પરિવાર ભયભીત થઈ જાય છે. કાબુલમાં ફસાયેલા આવા પરિવારોના સંબંધીઓ જે અન્ય દેશોમાં છે તેઓ તેમની સરકારો પાસે મદદ માટેની વિનંતી કરી રહ્યા છે.