તાલિબાનો અમેરિકાને સાથ આપનારા અફઘાનોને ઘેર-ઘેર શોધી રહ્યા છે, સામે નહીં આવે તો પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી

0
52
તાલિબાને જર્મન ચેનલ સાથે સંકળાયેલા પત્રકારના પરિવારના એક સભ્યની હત્યા કરી
તાલિબાને જર્મન ચેનલ સાથે સંકળાયેલા પત્રકારના પરિવારના એક સભ્યની હત્યા કરી

તાલિબાન ભલે દાવો કરે કે તે કોઈની સામે બદલો નહીં લે, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના રિપોર્ટમાં વાસ્તવિકતા સામે આવી છે. આ રિપોર્ટમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે અમેરિકા કે તેની આગેવાની હેઠળના NATO સેનાને સાથ આપનાર અફઘાનોની શોધમાં ઘેર-ઘેર જઈને તાલિબાનો તપાસ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે તાલિબાનોએ તે લોકોની યાદી તૈયાર કરી છે જેમની તેઓ ધરપકડ કરવા માગે છે, સાથે જ તે આ લોકોને ધમકી આપી રહ્યો છે કે જો તેઓ સામે નહીં આવે તો તેમના પરિવારના સભ્યોને મારી નાખવામાં આવશે અથવા ધરપકડ કરવામાં આવશે.અફઘાનિસ્તાન પર પ્રભુત્વ ધરાવતું તાલિબાન પત્રકારો અને તેમના પરિવારોને નિશાન બનાવી રહ્યું છે. લેટેસ્ટ કેસ જર્મન ન્યૂઝ ચેનલ DW સાથે સંકળાયેલા અફઘાની પત્રકારનો છે. કાબુલમાં ઘેર-ઘેર જઈને આ પત્રકારને શોધી રહેલા તાલિબાનોએ ગુસ્સામાં પત્રકારના પરિવારના એક સભ્યની હત્યા કરી અને બીજાને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. પત્રકારનો બાકીના પરિવારના સભ્યો કોઈક રીતે ગયા મહિને જ ભાગી ગયા હતા.DWના ડિરેક્ટર જનરલ પીટર લિમ્બર્ગે કહ્યું હતું કે તાલિબાનની ક્રૂરતા દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં અમારા કર્મચારીઓ અને તેમના પરિવારોને કેટલો ખતરો છે. એ સ્પષ્ટ થઈ ગયું છે કે તાલિબાનો પહેલેથી જ કાબુલ અને અન્ય શહેરોમાં પત્રકારોને શોધીને નિશાન બનાવી રહ્યા છે.લિમ્બર્ગનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક સપ્તાહમાં તાલિબાનોએ ઓછામાં ઓછા ત્રણ DW પત્રકારોના ઘરો પર દરોડા પાડ્યા છે. એવી આશંકા છે કે તાલિબાનોએ ખાનગી ચેનલ ઘરગાશ્ત ટીવીના નેમાતુલ્લા હેમતનું અપહરણ કર્યું છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાલિબાનોએ ભૂતકાળમાં પક્તિયા ઘાગ રેડિયોના વડા તૂફાન ઓમરની પણ હત્યા કરી હતી.તાલિબાનોએ 2 ઓગસ્ટના રોજ જલાલાબાદમાં જર્મનીના ડાઇ ઝીટ અખબાર સાથે સંકળાયેલા અનુવાદક અમદદુલ્લાહ હમદર્દની પણ ગોળી મારીને હત્યા કરી હતી. જ્યારે ભારતના પુલિત્ઝર પુરસ્કાર ફોટો-જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીનું પણ તાલિબાનની ગોળીઓને કારણે મૃત્યુ થયું હતું.તાલિબાનના ડરને કારણે કાબુલ એરપોર્ટ પર સતત અફરાતફરી સર્જાયેલી છે. લોકો દેશ છોડવા માટે કંઈપણ કરવા તૈયાર છે. આવી તસવીરો સતત એરપોર્ટની બહાર આવી રહી છે, જેમાં લોકો અમેરિકન સૈનિકો સામે રડતા જોવા મળે છે. તેઓ કહી રહ્યા છે કે તેમને અંદર આવવા દો, નહીંતર તાલિબાનો તેમને મારી નાખશે. ઘણા લોકો તેમનાં બાળકોને બચાવવા દીવાલની ઉપરથી બીજી તરફ ફેંકી રહ્યાં છે અને તેમને એરપોર્ટની અંદર દાખલ કરી રહ્યાં છે.